નર્મદા યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ થતાં છેલ્લા 25 દિવસથી પાણીનો વેડફાટ છતાં તંત્ર બેપરવાહ મોરબી : મોરબી બાયપાસ ઉપર આવેલી પંચાસર ચોકડી પાસે આવેલા બ્રિજ નીચે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતાં દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જો કે લાપરવાહ તંત્ર છેલ્લા 25 દિવસથી મુખ્ય લાઈન તૂટવા છતાં હજુ સુધી પાઇપ લાઈન રીપેર કરવા માટે ફરક્યું નથી.મોરબીના જાગૃત નાગરિક હસમુખભાઈ વરસડાના જણાવ્યા મુજબ મોરબીના બાયપાસ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલા બ્રિજ નીચે નર્મદા યોજનાની પાઈપલાઈન પસાર થાય છે. આ નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતાં છેલ્લા 25 દિવસથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, પાણીની આ લાઈનમાં જયારે પાણી બંધ થાય ત્યારે ઉપરથી વહેતું ગટરનું પાણી પાઈપલાઈનમાં ભળી જાય છે જે લોકોનાં આરોગ્યને ખુબ જ જોખમી છે. જો કે, 25-25 દિવસથી પાણીની લાઈન તૂટી જવા છતાં તંત્ર દ્વારા પાઈપલાઈન રીપેર કરવા તસ્દી લેવામાં ન આવતા વહેલી તકે પાઈપલાઈનમાં થયેલ ભંગાણ રીપેરીંગ કરવામાં આવે અને પાણીનો વ્યય થતો અટકાવવા હસમુખભાઈ વરસડા દ્વારા અંતમાં માંગણી કરવામાં આવી છે.