હળવદ : હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીક આઇસરે બોલરોને હડફેટે લેતા નર્મદાના અધિકારી અને ડ્રાઈવરને ઇજા થઇ હતી. આ અકસ્માતના પગલે આઇસરચાલક સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 6ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં હળવદમાં બાયપાસ ત્રણ રસ્તા નજીક આઇસર ગાડી નં GJ-01-AY-8118ના ચાલકે ગફલતભરી રીતે આઇસર ચલાવી સામેના રોડ ઉપરથી આવી એકદમ હળવદ ગામમા જવાના રોડ ઉપર વાળી હતી. ત્યારે બોલેરો ગાડી નંબર GJ-02-ZZ-4961 સાથે આઇસરનો ખાલી સાઇડનો પાછળના જોટાનો ભાગ ભટકાયો હતો. આથી, બોલેરોના ડ્રાઈવર પ્રભુભાઇ વેલાભાઇ પરમારને ડાબા હાથના પંજામાં ફેકચર તથા શરીરના અન્ય ભાગમા નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમજ નર્મદા વિભાગના અધિકારી રાજુભાઇ વ્યાસને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજા તથા શરીરના અન્ય ભાગમા નાનીમોટી ઇજાઓ થઇ હતી. હાલમાં પોલીસે આઇસરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.