હડમતિયામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અભણ વિધવા માતાએ સંતાનોનેે માસ્ટર ડિગ્રીઓ અપાવી : વિશ્વ મહિલા દિન નિમિતે માતા દ્વારા ટંકારાની લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલમાં રૂ. ૫,૫૫૫ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય હડમતીયા : પિતા શબ્દ સાંભળતા જ મનમાં ઘેઘુર વડલાનું ચિત્ર ઉપસી આવે. પિતાએ એવો વડલો છે કે જેના મુળીયા ખુબ ઉંડે સુધી જડાયેલા હોય તેની ઘાટી ઘેઘુર છાયામાં પરિવાર પાવન નિશ્રા માણતો હોય, બીજા શબ્દોમાં કહીએ તો પિતા એટલે વહેલી સવારે ઘરના બે છેડા ભેગા કરવા કાળી મજુરી કરવા નિકળી પડતુ ચરિત્ર. પિતા ઘરનો મોભ છે, પિતા વિનાનું ઘર ખાંડ વિનાની ચા જેવું ફિક્કું છે, એનું મુલ્ય આંકીએ તેટલુ ઓછું છે. પિતાના કારણે ઘરમાં કલરવ હોય છે, માતાની આંખમાં ચમક પિતાને આભારી હોય છે. પિતા ઘરનું અંજવાળુ હોય છે. પિતા વિનાના ઘરની કલ્પના ભલભલાને ઘ્રૃજાવી દે છે. પિતા એ સાચો રસ્તો બતાવતો ઘરનો માઈલસ્ટોન છે, જ્યારે કોઈ દિકરી-દીકરા પરથી પિતાની છત્રછાયા યા કોઈ પરિણીત સ્ત્રીનું સિંદૂર ભૂંસાઈ જાય અને પરિવારનો માળો જ વિંખાઈ જાય ત્યારે એ પરિવાર પર શું વિતતી હશે? એની તો કલ્પના જ કરવી અશક્ય છે. જેની કલ્પના કરાવી પણ અશક્ય છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નારીશક્તિ ઉજાગર થાય છે. માનવ સમાજમાં દિકરીઓને 'સાપનો ભારો' કહીને અવગણતા હોય છે ત્યારે માનવ સમાજને આ પિતા વિનાની ત્રણ દિકરીઓ અને માટે કપરા સમયને સાથે લડી સમયને હરાવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્યક્તિનું કુંટુંબ ઘરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભ સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨ માં માર્ગ બાઈક અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું. પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને એક પુત્ર પર જાણે આભ તુટી પડ્યું હોય તેમ જેમની મોટી પુત્રી દક્ષાબેન ઉં-૬ વર્ષ, બીજી પુત્રી રશ્મિતાબેન ઉં-૪ વર્ષ, ત્રીજા ક્રમે પુત્ર હિતેષ ઉં-૨ વર્ષ, અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન ઉં-૩ માસ હતી ત્યારે પિતાની છત્રછાયા અને પત્નીએ સેંથાનું સિંદૂર ગુમાવ્યું હતું. પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેની ઉંમર ઢીંગલા-પોતીકા રમવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્યાસની સાથે ઘરની જવાબદારી પણ એટલી જ હતી. માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્યપ્રાણીઓના ડર વિના ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્યા હતા. સમય જતા વયષ્ક થયા અને અભ્યાસમાં ત્રણ દિકરીઓનો કન્યા કેળવણીનો પાયો મજબુત કરીને ત્રણ દિકરીઓમાં પ્રથમ દક્ષાબેન M.A.B.ed, ( મોરબી આદર્શ માતા કસોટી ફેઈમ) બીજી રશ્મિતાબેન M.A. ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને નાનકડા ભાઈ હિતેષે B.E. Engineering ની પરીક્ષા પાસ કરી છે. હાલ અનશોયાબેન ડાકાએ ત્રણે પુત્રીઓને સાસરે વળાવી સસરાપક્ષ તેમજ ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્યો છે.કહેવાય છે કે માતાની અંત: નાભીથી નિકળેલ આશિર્વાદ વિફળ જતા નથી. તેમ એક સમયે વિધવા અભણ માતાએ પુત્રને આશિર્વાદ આપતા કહ્યું હતું કે...બેટા તું મોટો ઈજમેર (ઈજનેર) બનીશ. આ અભણ માતાની મુખે નિકળેલ ઈજનેરના આશિર્વાદ કુદરતે સાંભળી લીધા હોય તેમ પુત્ર હિતેષભાઈ હાલ જીપીએસસીની એક્ઝામ પાસ કરી ચુંક્યો છે. હજુ ઉતરોતર ઉચ્ચ અધિકારી બનવા માટેની તૈયારી પુરજોશમાં ચાલુ છે અને એ સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. આમ, વર્તમાન સમાજમાં એક અભણ માતાએ સંતાનોનું જતન કરી આપણી ગુજરાતી કહેવત અનુસાર 'નારી તું નારાયણી' અથવા તો 'નારી તું ના હારી' કહેવતને સાર્થક કરતો કિસ્સો અને પિતા વિનાના બાળકોને સત્ય હકિકત દર્શાવતો કિસ્સો પ્રાણવાયુ બનીને આજના વિશ્વ મહિલા દિવસે માનવ સમાજમાં પ્રાણવાયુનો સંચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજના વિશ્વ મહિલા દિન નિમિતે અનસોયાબેન જેરાજભાઈ ડાકા તરફથી ટંકારા લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલમાં વિશ્વ મહિલા દિન નિમિતે રૂ. ૫૫૫૫ રૂપિયાનું શુભેચ્છા સંદેશ તરીકે યોગદાન આપવાનું નક્કી કરેલ છે. અનસોયા બહેન એક ચોપડી પણ ભણેલ નથી પરંતુ જીવનમા શિક્ષણનું કેટલું મહત્વ છે તે બહુજ સારી રીતે જાણે છે અને અનશોયા બહેને પ્રત્યેક્ષ અનુભવ્યું પણ છે.