ખોડલધામ નરેશે રાજકોટમાં 60માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે બન્ને નેતાઓને જનતાની સેવા કરવા સંદેશ આપ્યો રાજકોટ : મોરબીના બિસ્માર રસ્તાઓ મુદ્દે ત્રણ દિવસથી ચાલતા જનઆંદોલન બાદ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ રસ્તોનો મુદ્દો એક તરફ મૂકી આમ આદમી પાર્ટીના વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ મોરબીથી ચૂંટણી લડવા ચેલેન્જ આપ્યા બાદ વિવાદ વધતા બન્ને નેતાઓ સામેસામે આવી ગયા છે ત્યારે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે બન્ને નેતાઓને સંયમ સાથે જનતાની સેવા કરવા સલાહ આપી મધ્યસ્થી બની વિવાદ ઉકેલવા તૈયારી દર્શાવી હતી.મોરબીના બિસ્માર રોડ-રસ્તા મુદ્દે જનતા જાગીને રોડ ઉપર ઉતરી આવી છે ત્યારે બે દિવસ પૂર્વે મોરબીના ધારાસભ્ય કાંતિલાલની પંચાસર રોડની મુલાકત સમયે નાગરિકોએ હવે તો વિસાવદર વાળી કરવી પડશે તેવા શબ્દો ઉચ્ચારતા કાંતિલાલ અમૃતીયાને લાગી આવ્યું હતું અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી લડવા ચેલેન્જ આપી પોતે રાજીનામુ આપશે સાથે ગોપાલ ઈટાલીયા જીતે તો બે કરોડ ઇનામ આપવાનું જાહેર કરતા વળતા જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી કાંતિલાલને 12 જુલાઈએ 12 વાગ્યે રાજીનામુ આપી દેવા પડકાર ફેંક્યો હતો. સામે પક્ષે કાંતિલાલે વધુ એક વિડીયો જાહેર કરી બન્ને સાથે મળી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપવા તૈયારી બતાવી હતી.જો કે, બન્ને નેતાઓના રાજીનામાના વિવાદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. નરેશ પટેલે જણાવ્યું કે, 'પ્રજાએ બંને ધારાસભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે, તેથી તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવો જોઈએ. જો આ મુદ્દો મારી સમક્ષ આવશે, તો હું બંનેને સમજાવવાનો પ્રયાસ કરીશ.' આ નિવેદનથી તેમણે બંને નેતાઓને શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલવા અને જનતાની સેવા પર ધ્યાન આપવા અપીલ કરી છે.નરેશ પટેલનું આ નિવેદન રાજકીય ગરમાવો ઘટાડવા અને સમાજના હિતમાં બંને નેતાઓને એકજૂટ કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.