જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા અને ઠેરઠેર મટકી ફોડ કરીને ઉમંગભેર કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે, શહેરમાં ધજાકા પતાકા અને રંગબેરંગી રોશનીનો શણગારમોરબી : સમગ્ર જગતને ભગવત ગીતાના માધ્યમથી કર્મના સિદ્ધાંતનો બોધપાઠ આપનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મોરબી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું છે. શેરી ગલી તેમજ દરેક ગામડાઓ દેવકી નંદનના આગમનને વધાવવા ગોકુળિયા ગામ બન્યા છે. શહેરમાં અને દરેક ગામડાઓમાં ધજાકા પતાકા અને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આથી મોરબીમાં જન્માષ્ટમી નિમિતે નંદ ઘેર આનંદ ભૈયો.. જય કનૈયાલાલ કી... ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા અને ઠેરઠેર મટકી ફોડ કરીને ઉમંગભેર કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે. જશોદાના જાયા નંદલાલાના આગમનને વધાવવા દરેક લોકો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તલ્લીન બની ગયા છે.મોરબીમાં તમામ ધાર્મિક સંગઠનો એક મંચ પર આવીને સર્વ હિન્દૂ સંગઠનની રચના કરીને આગામી જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરેથી નીકળશે. શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સમયના પ્રસંગોના આકર્ષક ફ્લોટ રજૂ કરાશે. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંગઠનોના યુવાનો હેરત અંગેજ પ્રયોગો રજૂ કરશે. શોભાયાત્રા નિર્ધારિત રૂટ પર ફરશે અને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના આગમનને હર્ષભેર વધામણાં કરાશે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે એટલે કે રાત્રીના 12 વાગ્યે પણ ઠેરઠેર મટકી ફોડના અયોજનો કરવામાં આવ્યા છે. ડી.જે ના તાલે લોકો ઝૂમી ઉઠીને જન્માષ્ટમીની ઉજવણી કરાશે. જન્માષ્ટમી નિમિતે ઠેરઠેર ધજકા પતાકા સહિતનો શણગાર કરવામાં આવી રહ્યો છે. શહેરની દરેક ગલીઓ, વિસ્તારો જશોદાના જાયાના આગમનને વધવવા ગોકુળીયા ગામ બની જશે અને ઉપરાંત મોરબી તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા અને મટકી ફોડના આયોજનો કરવામાં આવ્યા છે. મોરબી શહેર આખામાં અને ગામે ગામ અદભુત રોશની સહિતનો શણગાર કરવામાં આવશે અને ગામે ગામે મટકી ફોડ યોજી દેવકી નંદનના જન્મોત્સવને હર્ષભેર મનાવવા લોકો અધીરા બન્યા છે. તેમ સર્વ હિન્દુ સંગઠનના સમિતિના અધ્યક્ષ.અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા પ્રમુખ કેબી બોરીચાએ જણાવ્યું છે.મોરબીમાં 18 સ્થળોએ મટકી ફોડ કરાશેમોરબીમાં જન્માષ્ટમી મહોત્સવ નિમિતે સવારે જડેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળ્યા બાદ શહેરના તમામ મુખ્યમાર્ગો ઉપર શાહી સવારી નીકળશે. જેમાં જડેશ્વર મંદિરથી ગ્રીનચોક દરબાર ગઢ સુધી શોભાયાત્રાના રૂટ છે. આ શોભાયાત્રાના રૂટમાં જડેશ્વર મંદિરની અંદર મેઈન રોડ ઉપર, શંભુ મહારાજ ચોક મેઈન રોડ, નવયુગ ગારમેન્ટ મેઈન રોડ, ભૂત તાંબુલ પાન મેઈન રોડ, નવા ડેલા રોડ રિદ્ધિ સિદ્ધિ ફટાકડા મેઈન રોડ, ખાખીની જગ્યા મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ મેઈન રોડ, રામચોક મેઈન રોડ, રવાપર રોડ કાનાભાઈ દાબેલી વાળાનો મેઈન રોડ, ચકિયા હનુમાન રોડ, ગાંધીચોક મેઈન રોડ, યંદુનંદન ગેઇટ મેઈન રોડ, નહેરુ ગેઇટ મેઈન રોડ, નહેરુ ગેઇટ રોડ અંદર, ગ્રીનચોક મેઈન રોડ, નાગનાથ શેરી મેઈન રોડ, વેરાઈ શેરી મેઈન રોડ દરબાર ગઢ ચોક એમ 18 રૂટ ઉપર બપોર સુધીમાં મટકી ફોડ થશે અને રાત્રે 12 વાગ્યે ગ્રીનચોક, મોચી શેરી, મહેન્દ્રનગર ગામ, દરબાર ગઢ, ભગવતી પરા વાવડી રોડ ઉપર મટકી ફોડ કરાશે. આ ઉપરાંત મોરબીના ગામે ગામ શોભાયાત્રા અને મટકી ફોડ થશે.