કાર્યવાહીને અનેક દિવસો થઈ ગયા, ત્રણ-ત્રણ વખત નામો પૂછવા છતાં પણ અધિકારીઓએ મોઢા સીવી લીધા, કોઈનો ડર કે મહેરબાની ? મોરબી : મોરબીના કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો વપરાશ શરૂ કરવામાં આવતા આ મામલે ફરિયાદોનો ધોધ વછુટતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીએ કડક પગલાં લઈ આવી નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ પકડી પાડી આ નવેય ફેકટરીઓને સીલ કરી સવા કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે આ કાર્યવાહીને અનેક દિવસો વીતી ગયા છતાં પણ હજુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ નવ સિરામિક એકમોના નામ જાહેર કરવાની તસ્દી લીધી નથી.મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પેટકોક એટલે કે, પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, મોરબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એક ઉચ્ચ અધિકારીના આશીર્વાદથી લાંબા સમયથી આ કાંડ ચાલી રહ્યો હોય ઉચ્ચકક્ષાએ ફરિયાદો પહોંચી હતી. જેને પગલે વિવાદિત અધિકારીની બદલી કરી જીપીસીબીમાં નવા અધિકારીની નિમણુંક થતા જ પેટકોક વપરાશની ફરિયાદો મામલે ગંભીરતાથી લઇ 15થી વધુ ફેકટરીઓમાં ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવ્યો હતો. 2 ફેકટરીઓ લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં આવતી હોવાથી 10-10 લાખ તેમજ અન્ય સાત ફેક્ટરી મધ્યમ કક્ષાની હોય એક એક ફેક્ટરીને 15-15 લાખ મળી 1.05 કરોડનો દંડ ફટકરાવમાં આવતા કુલ મળી 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે આ નવેય ફેક્ટરીને સિલ મારી દેવામાં આવી છે. મોરબીમાં જેટલું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેટલી જ પ્રદુષિત જીપીસીબીની કામગીરી પણ છે. કારણકે જીપીસીબીએ કાર્યવાહી કરી તેની વિગતો તો જાહેર કરી છે. પણ ક્યાં સિરામિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ મામલે જીપીસીબીના સ્થાનિક અધિકારીને ત્રણ વખત નામો પૂછવામાં આવ્યા હતા. પણ અધિકારીએ પોતાના મોઢા સીવી લીધા હોય તેમ ગલ્લા તલ્લા જ કરતા જોવા મળ્યા છે. આમ જાણે પેટકોક વાપરતા સિરામિક એકમોની અધિકારીઓ ઉપર મહેરબાની હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે.