મોરબીઃ તાજેતરમાં ગાંધીનગર ખાતે સેપક ટકરાવ (કીક વોલીબોલ)ની ગુજરાત રાજ્યની જુનિયર ભાઈઓ-બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયની ટીમે ફાઈનલમાં પહોંચીને સિલ્વર મેડલ મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. સેપક ટકરાવ (કીક વોલીબોલ) સ્પર્ધામાં રાજ્યભરમાંથી ભાઈઓની કુલ 16 ટીમે ભાગ લીધો હતો. જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયની ટીમે શિક્ષક અને સ્ટાફના સહકારથી સારું પ્રદર્શન કર્યું હતું અને 3 મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જેમાં પ્રથમ મેચમાં મહેસાણા સામે વિજય મેળવ્યો હતો. બીજા મેચમાં અમદાવાદ સામે અને સેમી ફાઈનલમાં ભાવનગર ગ્રામ્યની ટીમ સામે જીતી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં પણ ભાવનગર ટીમ સામે બેસ્ટ ઓફ થ્રીની રમતમાં પ્રથમ સેટ ૨૧-૧૫ થી જીતી લીધા બાદ બીજા સેટમાં ભાવનગરની ટીમે વળતો પ્રહાર કરતા ૨૧-૧૪ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ત્રીજો સેટ રમવાની ફરજ પડી હતી. પરંતુ તેમાં પણ ભાવનગરની ટીમ સામે ફ્ક્ત ૩ પોઈન્ટના અંતરે મેચ જીતી લીધી હતી જેથી મોરબીની ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આગામી સેપક ટકરાવ જુનિયર ભાઈઓ-બહેનોની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગુજરાતમાં જ રમાશે. જેમાં સમગ્ર ભારતમાંથી ૨૮ જેટલા રાજ્યોની ટીમો ભાગ લેશે. તેમાં પણ ગુજરાતની ટીમમાં મોરબીના જીલ ચિખલીયા (ધો. ૧૨ સાયન્સ)ની પસંદગી થઈ છે. જે મોરબી જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે.