મોરબીના બોરીચા વાસમાં આવેલ એક્માત્ર નાગ દેવતા મંદિરે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા મોરબી : સાતમ આઠમના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે પવિત્ર નાગપાંચમનો તહેવાર છે. આજે નાગ પાંચમે નાગ દેવતાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવાનો અવસર છે. ત્યારે મોરબીના એકમાત્ર અને વર્ષો પુરાણા નાગ દેવતાના મંદિરે નાગ પાંચમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના બોરીચા વાસ વિસ્તારમાં આશરે 500 વર્ષ પુરાણું નાગ દેવાતાનું મંદિર આવેલું છે. આ નાગ દેવતાના મંદિરનો પૌરણીક ઇતિહાસ રસપ્રદ છે. આ અંગે નાગ દેવતા મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, આશરે 500 વર્ષ પૂર્વ આ જગ્યાએ નાગ દેવતાનો રાફડો હતો અને નાગ દેવતા દર્શન આપતા હોય તે સમયે લોકો પણ શ્રદ્ધાભેર પૂજા કરતા હતા. આથી પૂજારીના પૂર્વજોએ આ રાફડાની જગ્યાએ નાગ દેવતાની મૂર્તિની સ્થાપના કરી હતી અને વર્ષો જતા આ જગ્યાએ નાગ દેવતાનું મંદિર બન્યું હતું.આ નાગ દેવતાનું મંદિર ચરમરીયા દાદાના મંદિર તરીકે ઓળખાય છે. તાજેતરમાં આ ચરમરીયા દાદાના મંદિરે પવિત્ર શ્રાવણમાસમાં નાગ દેવતાએ દર્શન આપતા લોકો ઉમટી પડીને નાગદેવતાના દર્શન કર્યા હતા. ત્યારે આજે નાગ પાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પૂજન અર્ચન કર્યા હતા. આજે શ્રદ્ધાળુઓએ ચરમરીયા દાદાને તલવટ અને દૂધ અપર્ણ કરીને ધન્યતા અનુભવી હતી.