સંકલ્પ નવરાત્રી , ઉમિયા નવરાત્રી, પાટીદાર નવરાત્રી તેમજ તાલુકા પોલીસ લાઈન ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં હિંદુ-મુસ્લિમ એકતાનો સર્વ શ્રેષ્ઠ સમન્વય મોરબી : મનમાં રહેલી ભક્તિની શક્તિ સાથે ભવસાગર તરી જવાય, હૈયે હોય સદભાવના તો જગત આખું ફરી જવાય. આ ઉક્તિ ભક્તિની સાચી વિભાવના તેમજ શક્તિની ઉપાસના માટે ઘણું બધું કહી જાય છે. આ ઉક્તિને સાર્થક થતી રૂબરૂ જોવી જાણવી હોય તો મોરબીમા ચાલી રહેલા નવરાત્રી મહોત્સવની મુલાકાત લેવી જ પડે. હાલ મોરબીમાં આદ્યશક્તિના નવલા નોરતા નિમિતે પ્રાચીન- અર્વાચીન રાસોસ્તવ ચાલી રહ્યા છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને માંની ભક્તિમાં ભીંજાઈ રહ્યા છે. ત્યારે અમુક જગ્યાએ સર્વધર્મ સમાજના લોકો મન મૂકીને ઈશ્વરીય શક્તિની આરાધના માટે રાસ-ગરબે રમે છે. આનું જીવતું જાગતું ઉદાહરણ તાદ્રશ્ય કરતા આયોજનને લોકોએ માણવું હોય તો સંકલ્પ નવરાત્રી, ઉમિયા નવરાત્રી, પાટીદાર નવરાત્રી તેમજ તાલુકા પોલીસ લાઈનમાં જવું પડશે. હિંદુ-મુસ્લિમ એકતાનો સર્વ શ્રેષ્ઠ સમન્વય સર્જાતો હાલ મોરબીના અનેક નવરાત્રી મહોત્સવમાં જોવા મળે છે. યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવના યુનુસ શેખ અને તેમના પુત્ર શાહરુખ શેખની ટીમ તેમજ ઉમિયા નવરાત્રી મહોત્સવમાં સોહિલ બ્લોચ સહિતના કલાકારો તથા પોલીસ લાઇન ખાતે યુનુશ શેખ, શબનમ સમા, શાહરૂખ શેખ તથા તેમની ટીમ 'સ્ટિક ઓન બીટ્સ ઓરકેસ્ટ્રા' શક્તિ પર્વની આરાધનામાં ઝૂમતા સર્વ સમાજના ખેલૈયાઓ માટે અહીં સંગીત પીરસવા રોકાયેલા છે. જેઓ માતાની શક્તિરૂપેણ આરાધના કરીને નવરાત્રીના માહોલને દિવ્ય બનાવી રહ્યા છે. મુસ્લિમ સમાજના દીકરી શબનમબેન સમાએ ગત વરસે 'સંકલ્પ નવરાત્રી મહોત્સવ'માં પોતાના મધુર કંઠથી સર્વત્ર ભક્તિનો મહિમા ગાયો હતો. જેઓ આ વરસે તાલુકા પોલીસ લાઇન, મોરબી 2માં માતાજીના ગરબા ગાઈને વાતાવરણને હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યા છે. શબનમબેન હાલ વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં શાસ્ત્રીય ગાયન શીખી રહ્યા છે. તેઓ દર વર્ષે નવરાત્રી પોતાની જન્મભૂમિ એવા પોતાના મોરબી શેહરમાં જ ગાવાનું પસંદ કરે છે. તેઓનું સપનું છે કે પોતાના શહેરનું નામ આ ક્ષેત્રમાં રોશન કરવું. પોતે જે કઈ પણ શીખી રહી છે તેમાં પારંગત થઈ તેઓ પોતાના શહેરને મોટા સ્ટેજ પર લઈ જવા માંગે છે. મુસ્લિમ સમાજમાંથી આવતી આ દીકરી તથા તેના સાથીદારો જે ભાવ ભક્તિથી માતાની નવે નવ દિવસ સેવા કરે છે એ ખરેખર સરાહનીય છે. ઈશ્વરીય કૃપા મેળવવા માટે સંગીત સાધનાથી વધુ સારું બીજુ કયું માધ્યમ હોઈ શકે? Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274