ભડીયાદ પીર ઉર્ષની ઉજવણીમાં ૫૦૦થી વધુ લોકો જોડાયા : ડો. બાબા સાહેબ આંબેકડરની પ્રતિમાને હારતોરા કરી સંઘ એ હળવદથી પગપાળા કર્યું પ્રસ્થાન હળવદ : હળવદમાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતીક સમાન ભડિયાદ પીર મહેમુદશાહ બુખારીના ઉર્ષનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આજે પગપાળા સંઘ દ્વારા ટીકર રોડ પર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારાતોરા કરી પ્રસ્થાન થયો હતો. જેમાં ઉર્ષની ધજાઓ સાથે ૫૦૦થી વધુ મુસ્લીમ ભાઈ-બહેનો પગપાળા સંઘ સાથે નીકળ્યા છે. જે ગુરૂવારે સાંજે ભડિયાદ પીર પહોંચશે અને માર્ગ પર ધુમ દાદા ધુમ બુખારીનો નાદ સાંભળવા મળશે. હળવદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પગપાળા ભડિયાદ પીર ઉર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે. હળવદ સહિત સમગ્ર રાજયભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભડિયાદ પીરના ઉર્ષમાં જાડાય છે ત્યારે ગઈકાલે મોરબીથી હળવદ શહેર ખાતે પગપાળા સંઘ આવી પહોંચ્યો હતો. જેમા હળવદથી પણ મેદની જોડાઈને આગળ રવાના થયા હતા. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મુસ્લીમ ભાઈઓએ હારતોરા કરી પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા સંઘમાં મોરબીના મુસ્લીમ ભાઈઓ–બહેનો સહિત હળવદના ૫૦૦થી વધુ લોકો આ પગપાળા સંઘમાં જાડાયા હતા. આ પગપાળા યાત્રા માટે ઠંડાપીણા, ચા-પાણી સહિત મેડીકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથો સાથ ધુમ દાદા ધુમના નાદ સાથે પગપાળા સંઘ હળવદથી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી અને ધંધુકા થઈ ૧પ૦ કિ.મી.ની પગપાળા યાત્રા ગુરૂવારે ભડિયાદ પીર પહોંચશે. આ પગપાળા સંઘમાં બહોળી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો ઉપસ્થત રહી ઢોલ -નગારા અને બેન્ડ–બાજા સાથે રવાના થયા હતા. આ સંઘમા સલીમભાઈ મીરા, મુસ્તાકભાઈ રાઠોડ, ઈમરાનભાઈ દિવાન, ઈકબાલ ભાઈ મીરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.