મોરબી : મોરબી રાજઘરાના ગાયક પરિવારના સ્વર્ગવાસી ગાયક એવા સ્વ.નઝીરભાઈ વાલેરાને તેમના બહોળા શિષ્યો દ્વારા સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબીના રાજઘરાના ગાયક એવા વાલેરા પરિવારના સદસ્ય અને સંગીતગુરુ તરીકે અપ્રિતમ લોકચાહના મેળવનાર સ્વ.નઝીરભાઈ વાલેરાનું અવસાન થતાં તેમના શિષ્યો દ્વારા તાજેતરમાં નીલકંઠ મહાદેવ પંચાસર રોડ ખાતે સુર - સાગર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી તથા વાલી દ્વારા તેમના સંગીતગુરુ સ્વ.નઝીરભાઈ વાલેરાને ભાવસભર ગીત સંગીત સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંગીત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તેમના શિષ્યો દ્વારા પ્રાર્થના, ભજન, ગઝલ, લોકગીત વગેરે થકી સુરમયી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વાલેરા પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમના ઋણી પણ બન્યા હતા.વિશેષ ઉપસ્થિતિમાં નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ.ગામી પણ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.તેમના શિષ્યોમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓએ પણ પોતાની સંગીત સાથેનો ભાવ રજૂ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને ઉદ્દઘોષક તરીકે શિરીષભાઈ ભટ્ટે ઉમદા સંચાલન કર્યું હતું.