મૃતકના પિતાએ એક શખ્સ સામે પોતાના પુત્રની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ખરેડા ગામે ખેતમજૂરી કરતા યુવાનને ગતમોડી રાત્રે એક શખ્સે ધારીયાના ધા ઝીકીની તેની નિર્મમ હત્યા કરી હતી.આ શખ્સે યુવાનની પત્ની પર પણ હુમલો કરતા તેણીને ઇજા પહોંચી હતી.આ બનાવ બાદ મૃતક યુવાનના પિતાએ એક શખ્સ સામે પોતાના પુત્રની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની સતિષભાઈ રમેશભાઈ પરમારે મોરબીના ખરેડા ગામે આવેલ વાડી વાવવા રાખી છે.સતિષભાઈ અને તેની પત્ની આ વાડીમાંજ ખેતમજૂરી કરીને રહે છે.દરમિયાન સતિષભાઈ અને તેની પત્ની ગઈકાલે આ વાડીની ઓરડીમાં સુતા હતા અને ગતરાત્રીના બે વાગ્યાની આસપાસ મૂળ મધ્યપ્રદેશનો વતની અને આ ગામે તેમની બાજુની વાડીમાં કામ કરતો ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ નામનો શખ્સ ધારીયું લઈને સતિષભાઈની ઓરડીમાં ઘુસી આવ્યો હતો અને આ શખ્સે સતિષભાઈને ધારીયાના ઘા ઝીકીની તેમની કરપીણ હત્યા કરી નાખી હતી.પતિને બચાવવા જતા તેની પત્ની પર પણ આ શખ્સે હુમલો કર્યો હતો આથી તેણીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવની જાણ થતાં તાલુકા પીએસઆઇ વાણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે સાધન તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બનાવ અંગે મૃતકના પિતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રંગપર ગામે આવેલ મનીષભાઈ ગોરધનભાઇ કાચરોલા વાડીમાં ખેતમજૂરી કરતા રમેશભાઇ નાનુરામ પરમારે તાલુકા પીલીસ મથકે ઠાકુરસિંગ મોતીસોંગ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ બનાવનું કારણ હજુ જાણવા મળ્યું નથી.આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો છે.હાલ આરોપીની શોધખોળ ચાલુ છે.