ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ બનાવ મામલે બે વખત ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી આકરી કાર્યવાહીની માંગ કરી, મંત્રી કાંતિભાઈએ પણ ટેલિફોનીક વાત કરી : હિરેન પારેખમોરબી : મોરબીમાં સોની સમાજની યુવાનની હત્યાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ગૃહમંત્રી તરફથી પણ કડક કાર્યવાહીના જિલ્લા પોલીસને આદેશ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના આગેવાન હિરેન પારેખે આ મામલે શોકસભામાં વિગતો જાહેર કરી હતી. હિરેન પારેખે જણાવ્યું હતું કે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભા ચાલુ હોવા છતાં ગૃહમંત્રી સાથે બે વાર મુલાકાત કરી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીધી SP સાથે અને પીડિત પરિવારના મૌલિકભાઈ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં ગૃહમંત્રીએ સંપૂર્ણ ન્યાય અને સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી. આ ઉપરાંત મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ બીમાર હોવાથી હોસ્પિટલના બિછાને હોવા છતાં, તેમણે પણ મૌલિકભાઈ સાથે વાત કરી હતી અને ચિંતા ન કરવા જણાવી પોતે તેમની સાથે જ ઊભા છે તેવો દિલાસો આપ્યો હતો.આગેવાને વધુમાં જણાવ્યું કે, ઘટના બની ત્યારથી લઈને આજ સુધી જિલ્લા પોલીસ વડાએ 5 થી 6 વખત ફોન કરીને તપાસ કઈ દિશામાં જઈ રહી છે તેની અપડેટ આપી છે. અંતમાં આગેવાને જણાવ્યું કે પરિવાર અને સમાજની જે કોઈ પણ લાગણી કે માંગણીઓ હતી તે પોલીસ અને સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે.