નોનવેજના થડામાં કામ કરતા સગીરની હત્યા મામલે ઘુંટાતું ઘેરું રહસ્ય મોરબી : મોરબીના રંગપર ગામે આવેલ સીમ વિસ્તારમાં એક સગીરની ગતરાત્રે હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં આજે આ બનાવમાં તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જોકે રંગપર ગામે નોનવેજના થડામાં કામ કરતા સગીરની કોણે અને ક્યાં કરણોસર હત્યા કરી? તે મામલે ઘેરું રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે.ત્યારે આ રહસ્ય હત્યાના બનાવનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આ બનાવની તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાંતિનગર ગામે રહેતા અને રંગપર ગામ પાસે ઔદ્યોગિક ઝોન વિસ્તારમાં નોનવેજનો થડો ધરાવતા અનવર હાજી સીદીકભાઈ માલાણીના નોનવેજના થડામાં કામ કરતા સીદીક અબ્બાસ મોવર ઉ.વ.15 રહે કાંતિનગર વાળાની ગતરાત્રે રંગપર ગામે સીમ વિસ્તારમાંથી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. મૃતક સગીરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી હતી.જેમાં રંગપર ગામે નોનવેજનો થડો ધરાવતા અનવરભાઈ માલાણીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેમના થડામાં કામ કરતા સગીરને કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ બોર્થડ પદાર્થ અથવા હથિયાર વડે તેના માથાના ભાગે માર મારી ગંભીર ઇજા કરીને હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ રહસ્યમય હત્યાના બનાવ અંગે તાલુકા પી.એસ.આઇ. એમ.વી.પટેલે જણાવ્યું હતું કે આ હત્યાનો બનાવ ગતરાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું અનુમાન છે.ફરિયાદી તે સમયે તેમના નોનવેજના થડામાં હાજર ન હતા અને તેમના થડામાં કામ કરતો આ મૃતક હાજર હતો.જોકે બનાવ સમયે અન્ય કોઈ હાજર ન હોય તેથી સગીરની કોણે અને ક્યાં કારણોસર હત્યા કરી છે ? તેની હજુ સુધી નક્કર કડી મળી નથી.જોકે કોઈ અજાણ્યા શખ્સએ નોનવેજના થડામાં આ હતભાગી સગીર સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ નોનવેજના થડા પાસેના વિસ્તારમાં કેટલાક શકમંદો પૂછપરછ ચાલુ છે.અને આ રહસ્યમય હત્યાના બનાવનો ભેદ ઉકેલવા તાલુકા પોલીસની ટીમોએ વિવિધ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.