મ્યુનિસિપલ કમિશનરે ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી: સાંજ સુધીમાં પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરાશે મોરબી: મોરબી શહેરમાં આજે સવારે 8 થી બપોરના 1 કલાક સુધીમાં 48 મી.મી. જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું.શહેરના અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે રાજેશ સાયકલ, લુહાણા પરા, કમલા પાર્ક, ગુ.હા.બોર્ડ-મોરબી-2, પંચાસર રોડ, અને શનાળા રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબી મહાપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની SWM શાખા, ડ્રેનેજ શાખા, અને સિવિલ એન્ડ સિટી બ્યુટિફિકેશન શાખાના કર્મચારીઓએ જરૂરી વાહનો અને મશીનરી સાથે સ્થળ પર પહોંચીને પાણી નિકાલની કામગીરી શરૂ કરી હતી.મ્યુનિસિપલ કમિશનરે પણ ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાણી ભરાયેલા તમામ વિસ્તારોમાં સાંજ સુધીમાં પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, રાત્રિ દરમિયાન પણ દરેક સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.