મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ઘરવેરો અને પેનલ્ટી વસૂલાત કરવાની નોટીસો આપવાની થઈ રહેલ કામગીરી બાબતે નગર પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન કે. પી. ભાગીયાએ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને લાગણી વ્યક્ત કરતા નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ સાથે ઘારાસભ્યએ પરામર્શ કરીને હાલની વિશેષ સ્થિતિને ધ્યાનમાં લઈને મોરબી નગરપાલિકા વિસ્તારના લોકો ઉપર આર્થિક ભારણ ન વધે તે હેતુસર હાલ તુરંત ઘરવેરો તેમજ પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આમ, નાના અને મધ્યમ વર્ગના લોકોને આ નિર્ણયથી ભારે મોટી રાહત થશે. વધુમાં, ધારાસભ્યએ નગરપાલિકા વિસ્તારમાંથી કેબીનો અને લારીઓ હટાવવા માટે થઈ રહેલ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને જિલ્લા પોલીસ વડા તેમજ સબંધિત પોલીસ અધિકારીને તાકીદ કરી છે કે આવી લોકડાઉનની સ્થિતિમાં લોકોને જ્યારે પરિવારનું ગુજરાન ચલાવાવું પણ દુર્લભ બન્યું છે, છેલ્લાં બે માસથી લોકોના ધંધા રોજગાર પણ બંધ પડ્યા છે, રોજેરોજનું કમાનાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની કે મદદ કરવાની વાત તો એક બાજુ રહી પણ આ રીતે લારી ગલ્લા હટાવી દેવા જેવા જોહુકમી ગરીબોના હિતમાં યોગ્ય નથી. સાથોસાથ ધારાસભ્યએ નગર પાલિકાના સત્તાવાળાઓને એવી ભલામણ પણ કરી છે કે જે લારી ગલ્લા કે કેબીનો હટાવવામાં આવી છે તેવા લોકોને આવા લારી ગલ્લા અને કેબીનોના માલિકની ખરાઈ કરીને કઈપણ પ્રકારના દંડ વસૂલ કર્યા વગર મુળ માલિકને પરત કરવાની કામગીરી કરીને સેવાધર્મ નિભાવવો ખૂબ જરૂરી છે. હાલ મોરબી જિલ્લો ગ્રીન ઝોનમાં આવેલ છે ત્યારે સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યાનો જે સમય ધંધા રોજગાર માટે મૂકરર કરેલ છે. તેમાં વધુ 3 કલાક છૂટ આપીને સાંજના 8 વાગ્યા સુધી લંબાવી આપવાની અગ્રણી કે. ડી. પડસુંબીયાની માંગણી મુજબ નિર્ણય કરવો જરૂરી છે. તેમજ કાઉન્સિલર ફારૂકભાઈની માંગણી મુજબ આ સમય દરમિયાન ધંધા રોજગાર માટે અવરજવર કરતા લોકોને બિન જરૂરી પરેશાન ન કરવામાં આવે તેમ કરવા પણ સરકારી તંત્રને બ્રિજેશ મેરજાએ તાકીદ કરી છે. વધુમાં, અગ્રણી રમેશભાઈ રબારીની રજૂઆત મુજબ APL રેશન કાર્ડ ધરાવતા લોકોને એપ્રિલ માસમાં તેમના રેશન કાર્ડ કમ્યુટર ક્ષતિને લીધે સાયલન્ટ થઈ ગયા છે. તે પુનઃ ઓપન કરવા રજૂઆત કરતા ધારાસભ્યએ જિલ્લા પુરવઠા અધિકારીને રૂબરૂ મળીને મોરબી શહેરના વીસીપરા તેમજ વાવડી રોડ ઉપર આવા કાર્ડ ધારકોને પડતી પરેશાની દૂર કરીને ચાલુ માસમાં તેમનો સ્થગિત જથ્થો મળી રહે તેમ કરવા ખાસ જણાવ્યું છે.