લાંબા સમય બાદ પ્લાસ્ટિકના વિક્રેતા સામે પ્રતિબધિત પ્લાસ્ટિક વેચવા બદલ દંડનીય કાર્યવાહી મોરબી : મોરબી નગરપાલિકાની ટીમ લાંબા સમય બાદ આજે ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા પ્લાસ્ટિકના વિક્રેતા સામે કાર્યવાહી કરવા મેદાને આવી હતી અને પાલિકાની ટીમ મુખ્ય બજાર વિસ્તાર ગણાતા નવા ડેલા રોડ પરની પ્લાસ્ટિકના વિક્રેતાની દુકાનોમાં ત્રાટકી હતી અને ચેકિંગ દરમિયાન મોટાપાય પ્રતિબધિત પ્લાસ્ટિક પકડતા પ્લાસ્ટિકના વિક્રેતા સામે પ્રતિબધિત પ્લાસ્ટિક વેચવા બદલ દંડનીય કાર્યવાહી કરી હતી. મોરબી નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલા પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઘણા દુકાનદારો છડેચોક પ્રતિબધિત પ્લાસ્ટિકના નિયમનો ભંગ કરી બિન્ધાસ્ત રીતે પ્લાસ્ટિક વેંચતા હોવાની ફરિયાદ મળતા વારંવાર સમયાંતરે સર પ્રાઇઝ ચેકિંગ કરીને પ્લાસ્ટિકના વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા તથા તેની ટિમ દ્વારા આજે ફરી નવાડેલાં મેઇન રોડ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને દુકાનોમાં ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના ઝબલા-૫૦ કિલો, પ્લાસ્ટિકના ગ્લાસ-૩૧ પેકેટ, પ્લાસ્ટિકની ચમચી-૨૯ પેકેટ, પ્લાસ્ટિકના પાન પીસ-૧૦ પેકેટ, પ્લાસ્ટિકની દૂધની થેલી બેગ: ૫ પેકેટ, પ્લાસ્ટિકના સ્ટ્રો-૩ પેકેટ મળી આવતા આ પ્રતિબધિત પ્લાસ્ટિક જપ્ત કરી જવાબદાર વેપારીઓને રૂ. ૧૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.