માળીયા : માળીયા મિયાણા શહેરમાં હાલ આધારકાર્ડની કામગીરી બંધ હોય આ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવવા માટે માળીયા નગરપાલિકાના પ્રમુખ હારૂનભાઈ સંઘવાણીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. હારૂનભાઈ સંઘવાણીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરાવવા માટે અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ મામલતદાર કચેરીમાં કે અન્ય કોઈપણ સ્થળે આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. કલેક્ટર કચેરીએથી વારંવાર જણાવવામાં આવે છે કે ટેક્નિકલ કારણોસર કામગીરી બંધ છે. કલેક્ટર કચેરી દ્વારા માળીય (મી.) શહેરની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી માટે હાલમાં બે આધારકાર્ડ ઓપરેટરની કીટ ફાળવાઈ છે પરંતુ એકપણ કીટ હાલમાં ચાલુ નથી. ત્યારે લોકોને આધાર કાર્ડની કામગીરી માટે વલખા મારવા પડી રહ્યા છે. તેથી વહેલી તકે શહેરમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરાવવામાં આવે તેવી કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે.