25 ફેબ્રુઆરી સુધીમાં કમિટી રિપોર્ટ સોંપશે : કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી થશેમોરબી : મોરબીના પ્રજાના પૈસાની સિમેન્ટ જાળવણીના અભાવે જામી જવાના પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનર એક્શન મૉડમાં આવ્યા છે. તેઓએ કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા છે. આમ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવાનું મ્યુનિસિપલ કમિશનરે એલાન આપ્યું છે. મોરબી નગરપાલિકાના શાસન દરમિયાન પ્રજાના પૈસાનું પાણી નહીં પણ પથ્થર કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. મોરબી શહેરમાં જનભાગીદારીથી સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવાના પ્રોજેક્ટ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવાયેલ 400 બેગ સિમેન્ટ વાપર્યા વગર પડી રહેતા જામીને પથ્થર બની ગઈ છે. જે ગાર્ડન વિભાગની બાજુમાં મેદાનમાં પડી છે. આ સિમેન્ટ પ્રજાના પૈસાની હોય બેદરકારીના કારણે પ્રજાના પૈસાનો વ્યય થયો હોય કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર વર્ષ 2020-21 આસપાસ જનભાગીદારીના કામ માટે સિમેન્ટ ખરીદવામાં આવી હતી. બનાવ અંગેની તમામ માહિતી મેળવવા એક સમિતિ બનાવી તેને તપાસ સોપાઈ છે. આ સમિતિ ડેપ્યુટી કમિશનર ( પ્રોજેકટ)ની અધ્યક્ષતામાં રહેશે. તેમાં 4 સભ્ય હશે. સ્ટોક રજીસ્ટર તેમજ કોના હુકમથી ખરીદી થઈ હતી તે અંગે તપાસ થશે. તપાસ બાદ 25 ફેબ્રુઆરી સુધીમાં આ કમિટી રિપોર્ટ સોંપશે. જેના આધારે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.