સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થીઓ અને આગેવાનો જ દેખાયા, સામાન્ય નાગરિકોની સૂચક ગેરહાજરી મોરબી : મોરબીમાં આજે માર્કેટિંગ યાર્ડ ખાતે મહાપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ભાજપ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી રહી હતી. જ્યારે સામાન્ય નાગરિકોની સૂચક ગેરહાજરી રહી હતી. બીજી તરફ કાર્યક્રમ માટે પંખાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પંખા કાર્યક્રમ સ્થળને બદલે બહાર જ પડ્યા રહ્યા હતા જેથી વિદ્યાર્થીઓએ ભારે બફારા વચ્ચે કાર્યક્રમ માણ્યો હતો.રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે વર્ષ 2025માં વન મહોત્સવ અને એક પેડ મા કે નામ અંતર્ગત શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ, શાળાઓ, સહકારી મંડળીઓ સરકારના વિભાગોએ 7.63 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે. સાથે 10 લાખથી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાનો વિસ્તાર ઈન્ડસ્ટ્રી ઝોન છે. વૃક્ષો વધારવા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ કાર્યક્રમની અવ્યવસ્થા અંગે કહ્યું કે અમે હવે આ બાબતોનું ધ્યાન રાખીશું. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર, મહાપાલિકા અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અહીં વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં વનનું મહત્વ અને વૃક્ષના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વૃક્ષારોપણ અંગેની જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંત્યેષ્ઠીમાં જેટલા લાકડા વપરાય તે પ્રમાણમાં દરેક વ્યક્તિ જીવન દરમિયાન વૃક્ષારોપણ કરે તેવો આગ્રહ છે.