મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જર્જરિત અને ભયજનક ઈમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાપાલિકાની બિલ્ડીંગ શાખાએ સપાટો બોલાવતા અંદાજિત 90 જેટલા જર્જરિત મકાનોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા છે.મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949ની કલમ-264 હેઠળ સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. જોકે, નોટિસની અવગણના કરનારા અને જોખમ યથાવત રાખનારા આસામીઓ સામે કલમ-268 મુજબ હુકમ કરી બિલ્ડીંગ શાખાએ આકરી કાર્યવાહી કરી હતી. જેમાં 90 મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપવાની સાથે સાથે અંદાજે 30 મિલકતોના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે, જેથી આ જોખમી બાંધકામોનો વપરાશ અટકાવી શકાય.પાલિકાની આ કડક કાર્યવાહીના પગલે ઘણા મિલકત માલિકોએ કાયદાનું પાલન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 80 જેટલી મિલકતોના માલિકોએ પોતાની ઈમારતના જોખમી ભાગો સ્વેચ્છાએ ઉતારી લીધા છે, જેનાથી જાહેર માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને આસપાસના રહીશોની સુરક્ષામાં વધારો થયો છે.નાગરિકોને અપીલ અને ચેતવણી:મોરબી મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાએ સ્પષ્ટ કર્યું છે કે જર્જરિત મિલકતો સામેની કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. નાગરિકોની જાનમાલની સુરક્ષા એ પ્રાથમિકતા હોવાનું જણાવી, નાયબ ઈજનેરે અપીલ કરી છે કે શહેરીજનોએ કોઈપણ જોખમી ઈમારતનો વપરાશ તાત્કાલિક બંધ કરવો. જો મકાન રિપેરિંગ યોગ્ય હોય તો તેને સુરક્ષિત બનાવવું અથવા જો રહેવા યોગ્ય ન હોય તો મંજૂરી લઈ તેને તોડી પાડવું, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.