સફાઈ કામદારોની જગ્યાએ જેસીબીથી ઉપરછલ્લી સફાઈ કરી મેદાનમાં ખાડા કર્યામેળો પૂર્ણ થયાના 4-5 દિવસ બાદ પણ ગ્રાઉન્ડની બિસ્માર હાલત: દોડની પ્રેક્ટિસ કરતા યુવાનોને ભારે હાલાકી, જવાબદાર એજન્સીને દંડ ફટકારવાની માંગમોરબી અપડેટ: મોરબી શહેરનું એકમાત્ર રમતગમતનું મેદાન એટલે એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડમાં સવારથી લઈને સાંજ સુધી યુવાનો દોડની પ્રેક્ટિસ કરે છે અને બાળકો ક્રિકેટ રમવા આવે છે. પરંતુ અવારનવાર અહીં સખી મેળો, રાખી મેળો જેવા અનેક આયોજનો, મેળાઓ થાય છે. રોજગારી માટે મેળા યોજાય તેનો લોકોને કોઈ વિરોધ નથી, પરંતુ મેળો પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં ઘોર ખોદાઈ જાય છે અને યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. ગત 23 તારીખે મેળો પૂર્ણ થયો હોવા છતાં આજે 26 તારીખ સુધી સફાઈ ન થતા યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.સ્થાનિકો અને રમતવીરોની રજૂઆત છે કે આજે સવારે પાલિકા દ્વારા સફાઈ માટે જેસીબી મોકલવામાં આવ્યું હતું. જેસીબીથી મોટા કચરા સાફ કરવાના પ્રયાસમાં મેદાનમાં ઠેર-ઠેર ખાડા કરી દેવામાં આવ્યા છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગ્રાઉન્ડની જાળવણી માટે 100 જેટલા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં હર્ષ સંઘવી, બ્રિજેશભાઈ, કાંતિલાલ, સૌરભભાઈ પટેલ જેવા આગેવાનો સમક્ષ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ગ્રાઉન્ડનો ઉપયોગ કરતા યુવાનો દર વર્ષે 50,000 થી 60,000 નો ખર્ચ કરીને સ્વૈચ્છિક રીતે સાફ સફાઈ કરે છે. એટલું જ નહીં, 1,00,000 ના ખર્ચે વાવેલા વૃક્ષોના ક્યારા પણ મેળાના આયોજકો દ્વારા ફેરવી નાખવામાં આવ્યા છે.અહીં 4 વર્ષથી દોડની તૈયારી કરતા એક યુવાને જણાવ્યું કે મેળા પૂરા થયા પછી તેમને રનિંગ ટ્રેક જાતે જ બનાવવા પડે છે. આર્મી, પોલીસ, નેવી અને એરફોર્સની ભરતીની તૈયારી કરતા 25 થી 30 જેટલા યુવાનો અહી રોજ પ્રેક્ટિસ કરે છે. ભૂતકાળમાં 96-98ના સમયમાં અહીં આર્મીની ભરતી મેળો પણ યોજાયો હતો. ત્યારે સ્થાનિકોની અને યુવાનોની સ્પષ્ટ માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા જેસીબીથી નહીં, પરંતુ સફાઈ કામદારો દ્વારા યોગ્ય રીતે કચરો વીણીને સફાઈ કરવામાં આવે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં મંડપ નાખનારી એજન્સીઓને આકરો દંડ ફટકારી, ગ્રાઉન્ડ જેવું હતું તેવું સ્વચ્છ કરીને પરત સોંપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #LECollegeGround #MorbiNews #CleanMorbi #SportsGround #YouthOfMorbi #MorbiCity