જેલ રોડ ઉપર ખાડા બુરવાની જે કામગીરી થઈ રહી છે તે નિહાળી સૂચનો અપાયા : શનાળા રોડ, લાતી પ્લોટ, પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં પણ વિઝિટ કરશેમોરબી : મોરબીમાં અત્યારે રોડ-રસ્તા, ગટર અને લાઈટના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે આ કામ ઝડપી અને ગુણવતાયુક્ત બને તે માટે મ્યુનિ. કમિશનર અત્યારે રાત્રીના નિરીક્ષણ કરવા માટે ફિલ્ડમાં ઉતર્યા છે. હાલ તેઓ વિવિધ વિસ્તારમાં ફરીને કામગીરી જોઈ રહ્યા છે. મોરબીમાં છેલ્લા થોડા દિવસોથી પાયાના પ્રશ્નોને લઈને જન આંદોલનો થઈ રહ્યા છે. જેને પગલે મહાપાલિકા તંત્ર એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દીધી છે. મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ખાડા બુરવા, ગટર સફાઈ કરવી અને લાઈટ નાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં ખાડા બુરવાની કામગીરીમાં યોગ્ય રીતે કામ કરવામાં આવી રહ્યું ન હોય રોડ ઉપર કાકરાઓ વિખેરાવા લાગ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કામગીરી યોગ્ય રીતે થાય તે માટે અત્યારે રાત્રે ફિલ્ડમાં ઉતરી કામગીરીનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેઓની સાથે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. તેઓએ જેલ રોડ ઉપર ચાલી રહેલ રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. હવે તેઓ શનાળા રોડ, લાતી પ્લોટ અને પંચાસર રોડ ઉપર જઈ ત્યાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે.