જેલ રોડ, ગાંધી ચોક, રવાપર રોડ સહિતનાં વિસ્તારોમાં સફાઈ, ભૂગર્ભ ગટર અને રોડનું નિરીક્ષણ કરાયું : અધિકારી, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોને જરૂરી સૂચનાઓ અપાઈ મોરબી: મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અને સ્વચ્છતાના પ્રશ્નોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર લોકો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે અને શહેરની સ્થિતિનો તાગ મેળવવા ગત રાત્રે મોરબી મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર સહિતના તમામ વિભાગના વડાઓએ શહેરના જેલ રોડ, ગાંધી ચોક, રવાપર રોડ સહિતનાં વિસ્તારોમાં રાત્રિ ચેકિંગ હાથ ધર્યું હતું. અધિકારી-કર્મચારીઓને અપાઈ સૂચનામ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના તમામ વિભાગો રાત-દિવસ કાર્યરત છે. ગત રાત્રે ઈલેક્ટ્રિક, ડ્રેનેજ, રોડ કન્સ્ટ્રક્શન, સ્વચ્છતા અને ઢોર પકડવા જેવા વિવિધ વિભાગોની કામગીરીનું લાઈવ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં પણ ત્રુટિઓ જણાઈ ત્યાં અધિકારીઓને અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.ભૂગર્ભ ગટરની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલશહેરમાં ભૂગર્ભ ગટરની વધેલી સમસ્યા અંગે ખુલાસો કરતા કમિશનરે જણાવ્યું કે, 'મેઈન લાઈનમાં બ્લોકેજ હોવાના કારણે આખા શહેરમાં ગટરના પ્રશ્નો વધ્યા હતા. હવે આ મેઈન લાઈનનું બ્લોકેજ સોલ્વ કરી દેવામાં આવ્યું છે. દરરોજ આવતી ૪૦ થી ૪૫ ફરિયાદો સામે અમારો નિકાલનો દર ૭૦ થી ૭૫ ટકા જેટલો છે. જે વિસ્તારોમાં ૩ થી ૪ દિવસથી ફરિયાદો પેન્ડિંગ છે, ત્યાં આગામી થોડા દિવસોમાં જ કામગીરી પૂર્ણ કરીને લાઈન ક્લિયર કરી દેવામાં આવશે.'ફરિયાદ વિના સીધા ચક્કાજામ કરનારાઓને કમિશનરે ચેતવ્યાવારંવાર થતા ચક્કાજામ અંગે કમિશનરે જણાવ્યું હતું કે, 'ઘણા કિસ્સાઓમાં લોકો કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક ફરિયાદ કર્યા વિના, અથવા અધિકારીઓનો સંપર્ક કર્યા વિના સીધા રસ્તા રોકી દે છે. આ પદ્ધતિ યોગ્ય નથી. કોઈપણ રીતે ટ્રાફિક રોકવો એ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે, અને આગામી સમયમાં આવા કિસ્સાઓને 'લો એન્ડ ઓર્ડર' ના પ્રશ્ન તરીકે લઈને કાર્યવાહી કરવામાં આવશે.'નિયમ ભંગ કરનારાઓને 'રેડ નોટિસ' અને સીલિંગની કાર્યવાહીમહાપાલિકા દ્વારા શરૂ કરાયેલી નવી ઝુંબેશ અંગે માહિતી આપતા કમિશનરે કહ્યું કે, GPMC એક્ટ હેઠળ મિલકતો સીલ કરતા પહેલા હવે 'રેડ નોટિસ' લગાવવામાં આવી રહી છે. લાલ કલરની આ નોટિસ પ્રોમિનન્ટ રીતે લગાવવામાં આવે છે જેથી દુકાનદાર, આસપાસના લોકો અને આવતા-જતા સૌને તે સ્પષ્ટ દેખાય. જો આ નોટિસ આપ્યા બાદ પણ નિયમોનું પાલન ન થાય અથવા સુધારો ન જણાય, તો ફોટોગ્રાફિક પુરાવા સાથે ફાઈલ ડેપ્યુટી કમિશનરને મોકલીને મિલકત સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૪ થી ૫ મિલકતો સીલ પણ કરવામાં આવી છે. રાત્રી ચેકીંગ દરમિયાન જેલ રોડ પર એક પાનના ગલ્લા બહાર કચરો હોવાથી ત્યાં પણ રેડ નોટિસ લગાવી દેવાય હતી. બેદરકાર એજન્સીઓને દંડમાત્ર નાગરિકો જ નહીં, પરંતુ કામમાં બેદરકારી દાખવતી પાલિકાની એજન્સીઓ સામે પણ એક્શન લેવાયા છે. સ્વચ્છતા અને ડ્રેનેજની કામગીરીમાં ક્ષતિઓ જોવા મળતા ૧ થી ૨ એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.લોકોના સહકારની પ્રશંસાઅંતમાં કમિશનરે મોરબીની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં સ્વચ્છતા બાબતે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. લોકો ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે અને ડસ્ટબીન વાપરી રહ્યા છે. મહાપાલિકાની કામગીરીમાં લોકોનો સાથ મળી રહ્યો છે અને આગામી સમયમાં શહેરની સ્થિતિ વધુ બહેતર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.