નડતરરૂપ 10 જેટલા છાપરાનું પણ લગે હાથ ડીમોલેશન કરી નખાયું મોરબી : મોરબીના સામાકાંઠે જનકલ્યાણ વિસ્તારમાં આજે વહેલી સવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વચ્છતાને લઈને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલા છાપરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સમયાંતરે સ્વચ્છતાને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 7 વાગ્યે તેઓ દ્વારા સામાકાંઠે વોર્ડ નં.3માં આવેલ જનકલ્યાણ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સફાઈ કર્મીઓની હાજરી અને ડોર ટુ ડોર વ્હીકલના રૂટ સહિતની બાબતો તપાસી હતી. સ્થાનિકોના ફીડબેક પણ લીધા હતા. વધુમાં આ વિસ્તારમાં રોડને નડતરરૂપ 10 જેટલા છાપરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.