જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા વિભાગની સરાહનીય કામગીરી : દીકરીનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હળવદ : પરિવારથી વિખૂટી પડીને મુંબઇ પહોચી ગયેલ હળવદ તાલુકાની માનસિક અસ્થિર દીકરી જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમની જહેમત થી અંતે તેના ઘરે પરત આવી છે. પોણા બે મહિના પરિવારથી અલગ રહેલી દીકરી સાથે તેના પરિવારનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના એક ગામની દીકરી માનસિક અસ્થિરતાના કારણે પરિવારથી વિખૂટી પડીને પોણા બે મહિના અગાઉ ટ્રેનમાં મુંબઇ પહોચી હતી. જ્યાં આ દીકરી મુંબઇ ચાઈલ્ડ લાઈનને મળી આવી હતી. ચાઈલ્ડ લાઈને તેને ડોગરી ચિલ્ડ્રન હોમના બાળાઓના હોમમાં મૂકી હતી. ત્યારબાદ દીકરીનું કાઉન્સેલિંગ કરાતા દીકરીએ હળવદના ગામની હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી મોરબી બાળ સુરક્ષા વિભાગના મકવાણા રંજનબેનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર માકડીયાની સૂચનાથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન પીપરિયા, સુનિલ રાઠોડના માર્ગદર્શન હેઠળ મુંબઈથી દીકરીને લાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાંથી ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બાળ વિભાગના મકવાણા રંજનબેન, સમીરભાઈ લધડ અને દીકરીના ફઈબાને મુંબઇ મોકલવામાં આવ્યા હતા. જ્યાથી ફક્ત બે દિવસમાં જ આ ટીમે કાનૂની કાર્યવાહી પુર્ણ કરીને દીકરીને ઘરે પરત લાવી હતી. આમ જ્યારે આખું વિશ્વ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ મિશીંગ ડે ની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે મોરબી જિલ્લા બાળ સુરક્ષા વિભાગે વિખૂટી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવી ઇન્ટરનેશનલ ચાઈલ્ડ મિશીંગ ડેને ખરા અર્થમાં સાર્થક બનાવ્યો હતો.