રાધેક્રિષ્ના સ્કૂલ પાસે ઘૂંટણ સમાણા પાણી ભરાયા, 4 દિવસથી કોર્પોરેટર અને મેયરને રજૂઆત છતાં કોઈ જ ઉકેલ નહીંમોરબી : મોરબી શહેરમાં ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની બિસ્માર હાલત અને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. મોરબીના વોર્ડ નં. 9 માં આવેલ કન્યા છાત્રાલય રોડ પર સરદારનગર 1 અને 2 સોસાયટી પાસે હાલ જ્યાં જુઓ ત્યાં ગારા-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો પસાર થાય છે. ખાસ કરીને રાધેક્રિષ્ના સ્કૂલ પાસે માર્ગ પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે પોતાના બાળકોને સ્કૂલે મુકવા જતી અનેક મહિલાઓને દરરોજ પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, આ માર્ગથી લઈને બાયપાસ સુધીનો આખો રોડ કાદવ-કીચડવાળો બની ગયો હોવાથી વાહનચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિકોની ધીરજ હવે ખૂટી રહી છે. છેલ્લા 4 દિવસથી સતત સ્થાનિક કોર્પોરેટર અને મેયરને આ ગંભીર સમસ્યા અંગે ફોન પર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં, પાલિકા તંત્ર કે પદાધિકારીઓ દ્વારા સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લોકોની વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેટર અને મેયર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. તંત્ર વહેલી તકે આ માર્ગ પરથી કાદવ-કીચડ દૂર કરાવે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo9 #Sardarnagar #CivicIssues #PublicProblem #MorbiCity