પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ બિસ્માર થતા રામજી મંદિરે જતા વૃદ્ધો અને શાળાએ જતા બાળકો પરેશાન, તંત્રને ખુલ્લી ચેલેન્જમોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે બુરાણ કે કોન્ક્રીટ ન કરવામાં આવતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સીઝનના પ્રથમ વરસાદમાં જ આ વિસ્તારમાં ગારા-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે.આ અંગે વજેપર શેરી નંબર 16 ના સ્થાનિક જશુબેન પ્રફુલભાઈએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં આવેલ રામજી મંદિરે દરરોજ ધૂન માટે આવતા વૃદ્ધો કાદવના કારણે પહોંચી શકતા નથી અને પડી જવાનો ડર રહે છે. આ ઉપરાંત, નાના બાળકો પણ કાદવ-કીચડના કારણે શાળાએ ચાલીને જઈ શકતા નથી અને અવારનવાર પડી જાય છે. રસ્તાની એવી ખરાબ હાલત છે કે વાહનો પસાર થઈ શકતા નથી અને શાકભાજી વેચવા વાળા પણ શેરીમાં પ્રવેશી શકતા નથી.સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા કચેરીમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. લોકોની ફરિયાદ છે કે નવી બનાવેલી કુંડીઓમાં કોઈ કનેક્શન આપવામાં આવ્યા નથી અને જે જૂના કનેક્શન ચાલુ હતા તે પણ બંધ કરી દેવાયા છે. તંત્રની આ લાપરવાહીથી કંટાળીને મહિલાઓએ અધિકારીઓને પડકાર ફેંક્યો છે કે તેઓ એક વખત અહીં વાહન લઈને કે ચાલીને પસાર થઈ બતાવે તો ખબર પડે કે લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે.#Morbi #MorbiNews #Vajepar #CivicIssues #MorbiUpdate #GujaratNews #Monsoon #RoadCondition #PublicAnger #MorbiMunicipalCorporation