વીજ થાંભલા પાસે શોર્ટ સર્કિટને કારણે ગરમ હવા સાથે ધુમાડો અને દુર્ગંધ આવતી હોવાનું ખુલ્યું : જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે તપાસ કર્યા બાદ સામે આવ્યું તથ્યમોરબી અપડેટ : હળવદ તાલુકાના માનગઢ ગામે વીજપોલ નીચે જમીનમાંથી ગરમ હવા અને ગેસ નીકળતો હોવાની ઘટના સામે આવી હતી. આસપાસના લોકોએ ફરિયાદ કરી હતી કે અહીંથી આવતી દુર્ગંધને કારણે માથું અને ગળું પકડાઈ જતું હતું, જેનાથી ગામમાં 2 દિવસ સુધી ચિંતા અને ભયનો માહોલ ઉભો થયો હતો. આ ઘટનાની જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે તપાસ કર્યા બાદ તથ્ય સામે આવ્યું છે.આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા મામલતદાર, PGVCL ના કર્મચારીઓ અને અન્ય અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી પરંતુ કોઈ સ્પષ્ટ ઉકેલ મળ્યો ન હતો. ત્યારબાદ કલેક્ટરના આદેશથી તારીખ 18-9 ના રોજ ગાંધીનગરથી જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે ઝીણવટભરી તપાસ કર્યા બાદ પણ ભૌગોલિક રીતે કોઈ કારણ ન મળતા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયાનું ધ્યાન વીજપોલ પર ગયું હતું, જ્યાં શોર્ટ સર્કિટ થતું હોવાનું જણાયું હતું. કોઈ વ્યક્તિ દ્વારા થાંભલા પર બોર્ડ મૂકવામાં આવ્યું હોવાથી ત્યાં શોર્ટ સર્કિટ થતું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે PGVCL ની ટીમને જાણ કરતા તેમણે ગામની વીજ લાઈન બંધ કરી દીધી હતી, અને લાઈન બંધ થતા જ જમીનમાંથી ગરમ હવા અને ગેસ નીકળતો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.તાલુકા વિકાસ અધિકારીએ આ સમગ્ર ઘટના અંગે ખુલાસો આપતા જણાવ્યું છે કે આ માત્ર વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે બનેલી ઘટના હતી અને તલાટી કમ મંત્રીના રિપોર્ટ મુજબ હાલમાં ગામમાં આવી કોઈ જ સમસ્યા નથી. આમ, ગેસ નીકળવાની આ ઘટનામાં 'ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર' જેવો ઘાટ સર્જાયો હતો.#MorbiUpdate #Halvad #Mangadh #ShortCircuit #GujaratNews #GSITeam #LocalNews