જેલ ચોકથી નઝરબાગ રેલવે સ્ટેશન પાસે બનશે બ્રિજ : ધારાસભ્ય કાંતિલાલની ઉપસ્થિતિમાં અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જઈને કરાયો સર્વેમોરબી : મોરબી શહેરમાં સામાકાંઠે જવાનો ચોથો પુલ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવ્યો છે. આ પુલ જો નિર્માણ થાય છે તો ટ્રાફિકમાં ઘણી રાહત મળી શકે એમ છે. મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગઈકાલે શહેરના જેલ ચોકથી નઝરબાગ રેલવે સ્ટેશન પાસે નદી ઉપર બ્રિજ બનાવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ મામલે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે સર્વે ચાલુ છે. પ્રોજેકટ સરકારમાં મંજૂરી માટે મુકવામાં આવશે. મંજુર થયા બાદ સરકારમાંથી જે સૂચના મળશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે મોરબી શહેરીજનોની ટ્રાફિક સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા જેલ ચોકથી નજરબાગ સુધી ઓવર બ્રીજ બનાવવા રવાપર રોડ તથા આલાપ રોડ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે સ્થળ પર રૂબરૂ તપાસ કરી, નગરપાલિકાના ચિફ ઓફિસર તથા એન્જિનિયરને તાત્કાલીક અસરથી ઓવર બ્રિજ માટેના રિપોર્ટ તૈયાર કરવા માટે સુચના આપી હતી. ચીફ ઑફિસર દ્વારા તાકીદે બ્રીજ માટેના નિષ્ણાત માન્ય કન્સલ્ટન્ટને રૂબરૂ બોલાવી તાત્કાલિક બ્રીજની ડિઝાઇન બનાવવા સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાંથી સામાકાંઠે જવા માટે હાલ મયુરપુલ, પાડા પુલ, બેઠો પુલ આ ત્રણ રસ્તાઓ છે. હવે ચોથો પુલ બને તો ટ્રાફિકમાં ઘણી રાહત મળી શકે તેમ છે. વહીવટદાર નિમાયા તે પૂર્વે અનેકવાર આ બ્રિજ નગરપાલિકાના બજેટમાં લેવામાં આવ્યો છે. પણ ક્યારેય કામ શરૂ કરવામાં આવ્યુ નથી. આમ અગાઉ દર વર્ષે શહેરીજનો માટે આ બ્રિજની જાહેરાત થતી હતી પણ હજુ સુધી બ્રિજ બન્યો જ નથી. ત્યારે હવે આ બ્રિજ ક્યારે બને છે તે જોવું રહ્યું.