આજે ૧૧ ડીસેમ્બર : વિશ્વ પર્વત દિવસ : આ વર્ષની થીમ છે 'ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો - નવીનતા, અનુકૂલન અને યુવા'માઉન્ટ આબુ અને જુનાગઢ ખાતે પર્વતારોહણની નિઃશુલ્ક તાલીમ માટે સંસ્થાઓ કાર્યરતમોરબી : માનવ જીવન અને પ્રકૃતિ બંને એકબીજાના પૂરક છે. પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા સ્થાપિત કરવા માટે દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. માઉન્ટેન ડે, અથવા યમા નો હાય એ જાપાનની રાષ્ટ્રીય રજા છે, જે દેશમાં પર્વતો પ્રત્યે પ્રેમ અને આદર અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ વર્ષની ઉજવણીની થીમ છે 'ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો - નવીનતા, અનુકૂલન અને યુવા'. જે રીજીયોનલ હેરિટેજ મેનેજમેન્ટ અને પર્વતીય સમુદાયો માટે ટકાઉ વિકાસ તરફ જીઓલોજિકલ પાર્કના યોગદાનને પ્રોત્સાહન આપવાની સોનેરી તક છે. ભારત પર્વતોનો દેેશ કહેવાય છે. સમગ્ર વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કૈલાશ, કે-૨, કાંચનજંઘા, લાઓ ત્સે, મકાલુ, નંદાદેવી, વૈષ્ણોદેવી વગેરે જેવા ખુબ જ પ્રસિદ્ધ પર્વતો ભારતમાં આવેલા છે. હિમાલયન પર્વત શૃંખલા ભારતને ઉત્તરી ગોળાર્ધમાંથી ફુંકાતા હિમ પવનોથી બચાવે છે. જેના કારણે ભારતમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે અને તેમાંથી નીકળતી નદીઓ ભારતને અન્ન અને ધાન્યથી સમૃદ્ધ બનાવે છે.__________________________________________પર્વતારોહણનો ઈતિહાસભારતમાં પર્વતારોહણનો ઈતિહાસ અન્વેષણ, સાહસ અને માનવીની સહનશક્તિની શોધ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ભારતમાં પર્વતારોહણના શરૂઆતના દિવસો બ્રિટિશ વસાહતી યુગમાં જોવા મળે છે. ભારતમાં તૈનાત બ્રિટિશ અધિકારીઓ હિમાલયને સાહસ અને શોધખોળની તક તરીકે જોતા હતા. 19મી સદીમાં, પ્રદેશના સર્વેક્ષણ અને નકશા માટે અનેક અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. વિલિયમ મૂરક્રોફ્ટ અને જ્યોર્જ એવરેસ્ટ જેવા બ્રિટિશ સંશોધકો, જેમના નામ પરથી માઉન્ટ એવરેસ્ટનું નામ રાખવામાં આવ્યું છે, તેઓ હિમાલયમાં પ્રવેશ્યા અને પર્વતારોહણના ઉત્સાહીઓમાં ઉત્સુકતા અને આકર્ષણ જગાડ્યું હતું.ભારતમાં પ્રથમ રેકોર્ડ પર્વતારોહણ અભિયાન વર્ષ 1883માં થયું હતું. જ્યારે વિલિયમ ડબ્લ્યુ. ગ્રેહામની આગેવાની હેઠળની એક ટીમ કુમાઉ પ્રદેશમાં સરનકોટ (20,180 ફૂટ)ના શિખર પર પહોંચી હતી. આનાથી ભારતીય હિમાલયમાં પર્વતારોહણ અભિયાનોની શ્રેણીની શરૂઆત થઈ. નોંધનીય છે કે, વર્ષ 1899માં બ્રિટિશ પર્વતારોહક એલિસ્ટર ક્રોલીએ વિશ્વની ત્રીજી-ઉચ્ચ શિખર કાંચનજંગા પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. વર્ષ 1957માં સ્થપાયેલ ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF)એ ભારતમાં પર્વતારોહણને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને મહત્વાકાંક્ષી પર્વતારોહકોને તેમની કુશળતા શીખવા અને વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર પણ પર્વતરોહીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કાર્યરત છે. __________________________________________ગુજરાત સરકારની તાલીમ સંસ્થાઓરાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર દ્વારા પર્વતારોહણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ સંસ્થા, જુનાગઢ ખાતે સંસ્થાઓ કાર્યરત છે. આ બંને સંસ્થાઓ દ્વારા પર્વતારોહણ માટે માર્ગદર્શન, તાલીમ તથા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.પર્વતારોહણ માનવીને પોતાની જાત અને પ્રકૃતિના સાથે સંવાદ કરતાં શીખવે છે. પર્વતારોહણ એ વ્યક્તિને હમેશા ઉપરની તરફ ગતિ કરતાં, બીજાને મદદ કરતાં તથા અન્યોને સાથે લઈને ચાલતા શીખવે છે. સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ સંસ્થા, જુનાગઢ ખાતે પર્વતારોહણના વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં વિન્ટર અને સમર એમ બે ઋતુ માટે એડવેન્ચર ટ્રેઈનિંગ કોર્ષ ૦૮ વર્ષથી ૧૩ વર્ષની વય જૂથ માટે તથા સ્પેશિયલ એડવેન્ચર ટ્રેઈનિંગ કોર્ષમાં ૪૫ વર્ષથી ૬૫ વર્ષની વય જૂથ માટે કરાવવામાં આવે છે. આમાં રાજ્ય સરકાર દ્વારા રહેવા-જમવાની સુવિધા તથા ટ્રાન્સપોર્ટની સુવીધા પુરી પાડવામાં આવે છે. આ કોર્ષ માટે અન્ય રાજ્યોમાં રૂ. ૨૫ હજાર જેટલી ફી ચુકવવી પડે છે, જે ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવે છે. વર્તમાન સમયમાં આ કોર્સના તાલીમાર્થીઓ પાસેથી ફુડ ચાર્જ તરીકે પ્રતિ દિવસ ૧૫૦/- રૂ વસુલવામાં આવે છે. જેમાં વહેલી સવારે તથા સાંજે ચા/કોફી/બોર્નવિટા, સવારે અનલીમીટેડ નાસ્તો, બપોરે ફુલ ડીશ, ઈવનિંગ સ્નેક્સ વગેરે આપવામાં આવે છે.સ્પેશિયલ એડવેન્ચર ટ્રેઈનિંગ કોર્ષમાં હાઉસવાઈફ, બિઝનેશમેન, નોકરીયાત વર્ગ માટે પણ આયોજન કરવામાં આવે છે. તદુપરાંત રોક ક્લાઇમ્બીંગનો એડવાન્સ કોર્સ ૧૫ વર્ષથી ૪૫ વર્ષની વય જૂથ માટે છે, જેમાં શારીરિક તંદુરસ્તી જરૂરી છે અને તાલીમાર્થી ૧૦ કિલો વજન સાથે ઓછામાં ઓછું ૪ કિમીથી ૬ કિમી દોડવું અને ૧૦ થી ૧૪ કિમી ચાલવું જરૂરી છે. રોક ક્લાઇમ્બીંગમાં કોચિંગ કોર્સમાં ૧૮ વર્ષથી ૧૫ વર્ષની વય જૂથ માટે શારીરિક તંદુરસ્તી જરૂરી છે. ૧૦ કિલો વજન સાથે ઓછામાં ઓછું ૬ કિમીથી ૮ કિમી દોડવું અને ૧૦ કિમીથી ૧૭૪ કિમી ચાલવું જરૂરી છે. રોક ક્લાઇમ્બીંગ આર્ટીફિશીયલ અભ્યાસક્રમ ૧૮ વર્ષથી ૪૫ વર્ષની વય જૂથ માટે છે, જેમાં તાલીમાર્થીઓએ ૧૫ કિલો વજન સાથે ઓછામાં ઓછું ૮ કિમીથી ૧૦ કિમી દોડવું અને ૫ કિમીથી ૮ કિમી ચાલવું જરૂરી છે.આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા હિમાલયન પર્વતમાળામાં ટ્રેકિંગ માટે તાલીમ અને સહાય બંને પૂરી પાડવામાં આવે છે. હિમાલયન પર્વતમાળામાં ટ્રેકિંગ ૧૮ વર્ષથી ૪૫ વર્ષની વય જૂથ માટે શારીરિક તંદુરસ્તી જરૂરી છે. તાલીમાર્થીએ ૧૫ કિલો વજન સાથે ઓછામાં ઓછું ૮ કિમીથી ૧૦ કિમી દોડવું અને ૫ કિમીથી ૮ કિમી ચાલવું જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા સુરતની બે દિકરીઓ અદિતી-અનુજા તથા વડોદરાની દીકરી નિશા કુમારીને ૧૫ લાખની સહાય ચુકવવામાં આવી છે.__________________________________________