વાંકાનેર બાઉન્ડ્રીથી ગાળા સુધી હાઇવે ઉપર સીસીટીવી હોવા છતાં પોલીસ માટીના ઢગલા કરીને નાસી જતા ડમ્પર ચાલકો સામે પગલાં નથી ભરતી વાંકાનેર : મોરબી જિલ્લામાં હાઇવે ઉપર બેખૌફ બનીને ફરતા ખનીજચોરો છાસવારે ખાણ ખનીજ તંત્રની ભીંસને પગલે મન પડે ત્યાં માટી-રેતીના ઢગલા કરી અન્ય વાહન ચાલકો માટે મોતનું જોખમ સર્જી રહ્યા છે ત્યારે ગઈકાલે આવા જ બે કિસ્સા સામે આવ્યા છે જેમાં વાંકાનેર - મોરબી હાઇવે ઉપર કાળમુખા ડમ્પર ચાલકો દ્વારા હસનપર ઓવરબ્રિજ અને રાણેકપર ગામના પાટિયા નજીક હાઇવે ઉપર માટીના ઢગલા કરીને નાસી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યાંથી દરરોજ ટોલટેક્સ ચૂકવી હજારો વાહન ચાલકો પસાર થાય છે તેવા વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ગઈકાલે રાત્રીના સમયે બે અલગ -અલગ સ્થળોએ ખનીજ ચોરી કરતા કાળમુખા ડમ્પર ચાલકોએ હાઇવે ઉપર માટીના ઢગલા કરી નાસી ગયા હતા. જેમાં એક ડમ્પર ચાલકે વાંકાનેર નજીક હસનપર ઓવરબ્રિજ ઉપર તેમજ બીજા ડમ્પર ચાલકે રાણેકપર ગામના પાટિયા પાસે હાઇવે ઉપર માટી ઠાલવી દેતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી છે.ઉલ્લેખનીય છે કે, જયારે જયારે મોરબી ખાણખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં નીકળે ત્યારે ખનીજચોરી કરતા ડમ્પર ચાલકો આ રીતે હાઇવે ઉપર જ ડમ્પર ઉલાળી નાસી જતા હોય છે અને બાદમાં અન્ય વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે,વાંકાનેર બાઉન્ડ્રીથી ગાળા સુધીના આ કચ્છ નેશનલ હાઇવે ઉપર સીસીટીવી હોવા છતાં પોલીસ આજદિન સુધીમાં આવા ખનીજચોરી માટી ઠાલવતા ડમ્પર ચાલકોને પકડી ન શકતા હાઇવે ઉપર માટીના ઢગલા કરવાની સમસ્યા યથાવત રહી છે.