મે મારી માતા ગુમાવી પરંતુ હવે કોઈને સ્વજન ગુમાવવા ન પડે તે માટે કેન્સર સર્જન બનવું છે: શિવમ અઘારામોરબી: શનિવારે ધોરણ 10નું ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયું જેમાં મોરબીમાં રહેલા શિવમ અધારાએ 99.53 પીઆર(PR) મેળવ્યા છે. શિવમની કહાની પ્રેરક છે. એટલા માટે નહીં કે તેણે 99.53 પીઆર મેળવ્યા છે પણ એટલા માટે કે, પારિવારિક દુ:ખની સ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના સતત મહેનત કરી અને પરીક્ષામાં સફળતા મેળવી. સામાન્ય વાતમાં નિરાશ થતા લોકો માટે શિવમ અધારા એક દીવાદાંડીરૂપ છે.થોડા દિવસો પહેલા જ શિવમનાં માતા કુંદનબેન અઘારાનું કેન્સરનાં કારણે અકાળે અવસાન થયું. છેલ્લા થોડા મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. પરિવારની દુ:ખભરી સ્થિતિમાં માતાની સેવા કરતા કરતા શિવમ ભણતો રહ્યો. ધોરણ 10નું પરિણામ આવે તે પહેલા થોડા દિવસ પહેલા જ તેની માતાનું અવસાન થયું.માતાનાં કેન્સરમાં મૃત્યુ બાદ શિવમે નિશ્ચય કર્યો છે કે, તે મેડિકલ ફિલ્ડમાં જશે અને કેન્સર સર્જન બનશે.શિવમે મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યું કે, તેણે તેની માતાને કેન્સરથી પીડાતા જોઇ છે અને અનેક પરિવારોના આપ્તજનો કેન્સરથી પીડાય છે તે જોઇ શકતો નથી. આથી આગળ તે કેન્સર નિષ્ણાત બનવા માગે છે અને લોકોનાં દુખ દુર કરવા માંગે છે.શિવમે કહ્યું કે, “મેં બધા જ વિષયમાં ખૂબ મહેનત કરી હતી. હોમવર્ક ઉપરાંત દરરોજ બે કલાક રિવિઝન પણ કરતો હતો. મારા મમ્મી છેલ્લા છ-સાત મહિનાથી કેન્સરથી પીડાતા હતા. આજે મને મારી મહેનતનું ફળ મળ્યું છે એટલે હવે મારી કેન્સરના ડોક્ટર બનવાની ઈચ્છા છે. જેથી દરેક કેન્સરના દર્દીને પુરતી સારવાર મળે અને પૈસા ના અભાવે જેવો સારવાર નથી મેળવી શકતા તેઓને પણ સારવાર મળે તેવું મારું સપનું છે,”શિવમનાં પિતા રાજેશભાઈએ જણાવ્યું કે, “આજે મારા દીકરાને ખુબ સારા માર્ક મળ્યા છે. જે બદલ હું ખૂબ ગર્વ અનુભવ છું. શિવમે ખૂબ મહેનત કરીને સારા માર્ક મેળવ્યા છે. મારા પત્ની છ-સાત મહિનાથી કેન્સરથી પીડાતા હતા. તો પણ શિવમે ઘરનું તેમજ તેની મમ્મીનું ધ્યાન રાખતા રાખતા ભણવામાં ધ્યાન આપ્યું હતું. આજે તેની મમ્મી નથી પણ જો તે આજે હયાત હોત તો ખૂબ જ ખુશ થાત. અંતમાં ભગવાન મારા દીકરાની બધી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરું છું,”