મોરબી: માનવ સંબંધોમાં જો કોઈ બંધન સૌથી વધુ પવિત્ર, નિઃસ્વાર્થ અને અદ્વિતીય હોય, તો તે માતા અને સંતાન વચ્ચેનો સંબંધ છે. માતાનું હૃદય હંમેશા તેના સંતાનના સુખ અને દુઃખ સાથે ધબકતું હોય છે. ત્યારે આવી જ એક માતૃપ્રેમને ઉજાગર કરતી ઘટના મોરબીમાં બની છે. મોરબીના બૌદ્ધ નગર સોસાયટીમાં એક પુત્રનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થયું, અને તેના આઘાતમાં જ, બીજા જ દિવસે તેમની માતાનું પણ અવસાન થયું. છેલ્લા 6-7 વર્ષથી ખાટલાવશ રહેલા અમરતબેન ગોવિંદભાઈ ચૌહાણે પુત્ર ખાનાભાઈ (ઉં.વ. 75)ના અચાનક વિદાયના સમાચારનો આઘાત સહન ન કરી શક્યા. પુત્રના અવસાનની પીડા એટલી ગહન હતી કે શારીરિક બીમારીઓ છતાં ધબકતું તેમનું હૃદય, પુત્રના વિયોગનો ભાર ખમી શક્યું નહીં અને માત્ર 24 કલાકના ગાળામાં જ તેમણે પણ દેહત્યાગ કર્યો.બૌદ્ધ નગર સોસાયટીના નિવાસી ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું તા.16/11/2025 ના હાર્ટ એટેક આવવાથી દુઃખદ અવસાન થયું હતું. પુત્રના આ આકસ્મિક નિધનના આઘાતને તેમની માતા, અમરતબેન ગોવિંદભાઈ ચૌહાણ, સહન ન કરી શક્યા. બીજા જ દિવસે, એટલે કે સોમવારે, તારીખ 17-11-2025 ના રોજ નિધન થયું હતું. આ કરુણ ઘટનાથી ચૌહાણ પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે, જગતમાં ભલે સર્વસ્વનો વિકલ્પ મળી જાય, પણ જનનીની જોડ ક્યારેય મળતી નથી.