રિસામણે ગયેલી પત્નીને પરત ન મોકલી સાસરિયાઓ આપતા હતા ત્રાસમોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં નળિયાના કારખાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની યુવાનના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ પત્ની રિસામણે જતી રહી હોય તેમજ યુવાનના સાસુ અને સાળા ફોન કરી ગાળો આપી ધમકી આપતા યુવાનને લાગી આવતા આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતક યુવાનના માતાની ફરિયાદને આધારે યુવાનના હસનપર વાંકાનેર રહેતા સાસુ અને સાળા વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં ઓરડીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામના વતની રાજેશભાઇ કાંતિભાઈ સોલંકી ઉ.22 નામના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો જાહેર કરી પોતાના પુત્રને મરવા મજબુર કરનાર યુવાનના સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી તેમજ સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી રહે.બન્ને હસનપર, વાંકાનેર વાળાઓ વિરુદ્ધ રાજેશભાઈને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ફરિયાદી ગીતાબેને જાહેર કર્યું હતું કે, મૃતક રાજેશભાઈના દોઢ વર્ષ પૂર્વે પૂજાબેન જગદીશભાઈ ડાભી સાથે લગ્ન થયા હતા અને પૂજાબેન રિસામણે ચાલ્યા ગયા બાદ અવાર નવાર તેડવા જવા છતાં સાસરિયા મોકલતા ન હોવા ઉપરાંત સાળો દેવાભાઈ અને સાસુ હંસાબેન બીજું મકાન લેવા દબાણ કરી રાજેશભાઈને ગાળો આપી ધમકી આપતા હોવાથી તેમના પુત્ર રાજેશભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે મૃતકના સાસુ અને સાળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.