પ્રસુતિ બાદ બપોરે મૃત્યુ થયું હોવા છતાં વાત છુપાવી રાખી સાંજે જાણ કરાઈ હોવાનો પરિવારજનોનો આરોપ : ચાર બાળકો નોંધારા બની જતા પરિવારમાં ભારે શોકમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલામાં ત્રણ સિઝેરિયન બાદ પ્રસુતિ માટે દાખલ થયેલ પ્રસૂતાનું ડીલેવરી બાદ મૃત્યુ નિપજતા પરિવારજનોએ તબીબી બેદરકારીને કારણે પરિણીતાનું મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. મૃતકના નાનીમાએ જણાવ્યું હતું કે, પ્રસુતિ બાદ બપોરે મૃત્યુ થયું હોવા છતાં વાત છુપાવી રાખી પરિવારજનોને સાંજે જાણ કરવામાં આવી હતી. બીજીતરફ સિવિલ અધિક્ષકે મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હોય રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે તેમ જાહેર કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે પ્રસુતિ માટે દાખલ થયેલા નસીમબેન રમઝાનભાઈ ઉ.30 રહે.રણછોડનગર મોરબી વાળાને દાખલ કરવામાં આવ્યા બાદ સિઝેરિયન કરવામાં આવતા પુત્રનો જન્મ થયો હતો. બાદમાં ઓપરેશનમાં વધુ પડતું લોહી વહી જતા નસીમબેનને આઈસીયુમાં રાખવાના આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના નાનીમા ફાતમાબેનએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નસીમબેનને અગાઉ ત્રણ સિઝેરિયન આવ્યા હોવાથી દાખલ થયા પહેલા જ ડોક્ટરોને આ બાબતની જાણ કરતા અહીં તમામ સુવિધા હોય સફળતા પૂર્વક ડીલેવરી થઇ જશે તેમ તબીબોએ જણાવ્યું હતું.જો કે, નસીમબેનના નાની ફાતેમાબેને ઉમેર્યું હતું કે, બપોરે બાબાનો જન્મ થયા બાદ ડોકટરો દોડાદોડી કરવા લાગતા અમને કશુંક અજુગતું બન્યાનું જણાતા ડોક્ટરને પૂછતાં નસીમબેનની તબિયત સારી હોવાનું અને બ્લડ ચડાવવું પડશે તેમ કહેતા ચાર બોટલ બ્લડની વ્યવસ્થા પણ પરિવારજનોએ કરી હતી. અને સાંજના નસીમબેનનું મૃત્યુ થયાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. જો કે, પરિવારજનોએ તેમના પરિચિત તબીબનો સંપર્ક કરતા નસીમબેનનું બપોરે જ મૃત્યુ થયાનું જાણવા મળતા તબીબી બેદરકારીનો આક્ષેપ કરી નસીમબેનના ચાર બાળકો નોધારા બની ગયા હોય જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક નસીમબેનની આ ચોથી પ્રસુતિ હતી. અગાઉ પણ તેમને ત્રણ સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યા હતા. તબીબી બેદરકારીના પરિવારજનોના આક્ષેપ અંગે તેમને જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતક નસીમબેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે તેમ જણાવ્યું હતું.