13 જગ્યાઓ માટે ફોર્મ ભરનાર 120 પૈકી માત્ર 27 ઉમેદવારો જ ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા મોરબી : મોરબી જિલ્લાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયોમાં સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં 13 જગ્યાઓ માટે 120 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બાદમાં પાંચ અધિકારીઓની કમિટીએ ઇન્ટરવ્યૂ લીધું હતું. પરંતુ તેમાંથી માત્ર 27 ઉમેદવારોએ જ હાજર રહીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. મોરબી જિલ્લામા માળિયા, વાંકાનેર અને હળવદમા આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં સામાજિક વિજ્ઞાન શિક્ષક પૂર્ણસમયની 1 જગ્યા માટે 10 અરજીઓ મળી હતી. તેવી જ રીતે ગણિત વિજ્ઞાન શિક્ષક પૂર્ણસમયની 1 જગ્યા માટે 10, અંગ્રેજી શિક્ષક પૂર્ણસમયની 1 જગ્યા માટે 10, સી.પી.એડ. અર્ધકાલિન શિક્ષકની 2 જગ્યા માટે 7, ગણિત- વિજ્ઞાન અને કોમ્પ્યુટર અર્ધકાલિન શિક્ષકની 3 જગ્યા માટે 31, વોર્ડન નિવાસીની 1 જગ્યા માટે 12, આસિસ્ટન્ટ વોર્ડનની 1 જગ્યા માટે 10 અને આસિસ્ટન્ટ વોર્ડનની 3 જગ્યા માટે 30 મળી કુલ 13 જગ્યા માટે 120 ઉમેદવારોની અરજી મળી હતી. આ ભરતી માટે બે દિવસ ઇન્ટરવ્યૂ ચાલ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મયુર પારેખ, તાલુકા શિક્ષણ અધિકારીઓ અશોક વડાલિયા, દિનેશ ગરચર અને જિજ્ઞાબેન અમૃતિયા સહિતની કમિટીએ આ ઇન્ટરવ્યૂ લીધા હતા. ઇન્ટરવ્યૂમાં મોટા ભાગના ઉમેદવારોએ ગેરહાજર રહ્યા હતા. માત્ર 27 ઉમેદવારોએ જ આ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. હવે કમિટી ઇન્ટરવ્યૂમા ઉમેદવારોએ આપેલા પરફોર્મન્સના આધારે તેમની પસંદગી કરશે.