લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી અંદાજે રૂ. ૪૫ લાખ જેટલી રકમ જમા કરાઈ મોરબી : સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે દિવ્યાંગો, વૃદ્વો, વિધવા, ગરીબો માટે યોજનાઓ બનાવી સામાજિક ઉત્થાનની ભાવના સાથે સમૃદ્વ સમાજના નિર્માણ માટે વ્યથાઓને વ્યવસ્થામાં બદલી છે. તે અંતર્ગત રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. આવી જ એક યોજના એટલે ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી આર્થિક સહાય યોજના. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા એક સાથે મોરબી જિલ્લાના ૨૭૯૦ ગંગા સ્વરૂપ બહેનોને તેમની આર્થિક સહાયની યોજના અંતર્ગત મળતી રકમ રૂ. ૧૨૫૦ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. હાલે લોકડાઉનની પરિસ્થિતિ માં પણ રાજ્યની ગંગા સ્વરૂપ બહેનોને તેમની સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી સહાય જમા કરવામાં આવી છે. મોરબી જિલ્લાની ગંગા સ્વરૂપ બહેનોના ૨૭૯૦ લાભાર્થીઓના ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી અંદાજે ૪૫ લાખ જેટલી રકમ જમા થઇ હોવાનું જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઇ અંબાલીયાએ જણાવ્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે આ યોજના અંતર્ગત અગાઉની રૂ. ૧ હજારની માસિક સહાય મર્યાદામાં એપ્રિલ-ર૦૧૯થી ૨૫ ટકા જેટલો વધારો કરીને રૂ. ૧રપ૦ની માસિક સહાય આપવાની શરૂઆત પણ કરાવી છે. અગાઉ આવી માતા-બહેનોને પુત્ર ર૧ વર્ષનો થાય એટલે સહાય આપવાનું બંધ કરવામાં આવતું હતું તે નિયમમાં પણ સંવેદનશીલતા દર્શાવી સુધારો કરાવ્યો છે અને હવે, આજીવન સહાય આપવામાં આવે છે. વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ રૂપે રાજ્યમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા હાલમાં જ કરાવવામાં આવ્યો હતો.