ગુણીમાં લગાવેયલ જીપીએસએ ગુનાનો ભેદ ઉકેલ્યો : ગોડાઉન ભાડે રાખનાર, ટ્રક ચાલક સહિતનાની શોધખોળમોરબી : મહારાષ્ટ્રમાં છેતરપીંડી આચરીને સોપારીનો 300થી વધુ ગુણી જેટલો જથ્થો ચાઉ કરી જવાના બનાવનું પગેરું મોરબીમાં નીકળ્યું છે. રાજપર ગામે આ સોપારીનો છુપાવેલો જથ્થો મળી આવતા મહારાષ્ટ્ર પોલીસે અહીં આવીને આ સોપારીનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામ નજીક મહારાષ્ટ્રની છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેતરપીંડી આચરીને સોપારીની 300થી વધુ ગુણી ગાયબ થતા ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ સોપારીનો જથ્થો રાજપર ગામમાં આવેલા ગોડાઉનમાં પડ્યો છે. જેથી મહારાષ્ટ્ર પોલીસે મોરબી પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં મહારાષ્ટ્ર પોલીસની ટીમે મોરબી તાલુકા પોલીસ મથકના રાજપર ગામ ખાતે પહોંચી ભાડે રાખવામાં આવેલ ગોડાઉનમાંથી 300 થી વધુ ગુણી સોપારી પકડી હતી. આ સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસે કબ્જે કરી ત્યાં રવાના કર્યો હતો. બીજી તરફ ગેરકાયદેસર રીતે છેતરપિંડી કરીને મેળવેલી સોપારી ભાડાનું ગોડાઉન રાખનાર ડેનિસ મારવણીયા તેમજ ટ્રકના માલિક અને ચાલક તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી રીતે સોપારી ચાઉ થઈ હોય, સોપારીના માલિકે ગુણીમાં જીપીએસ મૂક્યું હોય, જેને પગલે ગુણીનું લોકેશન ખ્યાલ આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.