મોરબી: આજરોજ તારીખ 5 ઓગસ્ટ ને શુક્રવારે મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેનો 300થી વધુ લોકોએ લાભ લીધો હતો. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મે.ઓ. આયુર્વેદ), વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા (મે.ઓ. આયુર્વેદ), ડૉ. હેતલબેન હળપતિ (મે.ઓ. હોમિયોપથી)એ સેવા આપી હતી. આ કેમ્પનો લાભ 300 વધુ વાલી-વિદ્યાર્થી અને જાહેર જનતાએ લીધો હતો. સાર્થક વિદ્યામંદિર ખાતે આજે સવારે 9 થી 12 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર, હોમિયોપથિક નિદાન, સારવાર, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનું ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર, 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન, આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.