દરેક સીઝનમાં 10થી વધુ ટેન્કરોના દરરોજ બે ફેરા લાગતા હોય છે, આ વર્ષે વર્ક ઓર્ડર જ ન અપાતાં ટેન્કર બંધ : ગરીબ પરિવારો વેચાતું પાણી લઈ તરસ છીપાવવા મજબુર મોરબી : કચ્છના નાના રણના હાલ મીઠું પકવતા મોરબી જિલ્લાના 3000થી વધુ અગરિયાના પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીના અભાવે આ અગરિયાઓ દરરોજ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે જો તાકીદે પગલાં ભરવામાં નહીં આવે તો અગરિયાઓની હેરાનગતિ વધતી જ રહેશે.અગરિયા આગેવાન ચકુભાઈ ઠાકોર જણાવે છે કે મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ આ ચાર જિલ્લાના અગરિયાઓ કચ્છના નાના રણમાં મીઠું પકવે છે. અંદાજે 5થી 6 હજાર જેટલા પરિવારો અહીં શિયાળો શરૂ થાય ત્યારથી ઉનાળો પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે. આ અગરિયાઓ અત્યારે પીવાના પાણીના અભાવે પીડાઈ રહ્યા છે. જેની પાછળ તંત્રની ઢીલી કામગીરી કારણભૂત છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા દર વર્ષે પાટડી માટે 2 અને ધ્રાંગધ્રા માટે 8 એમ કુલ 10 ટેન્કર પાણી નાના રણમાં આપવામાં આવે છે. આ બધા ટેન્કર દરરોજ બે ફેરા કરે છે. ત્યારે અગરિયાઓને પીવાનું પાણી મળે છે. પણ આ વખતે વર્ક ઓર્ડર જ આપ્યો નથી. જેના કારણે અગરિયાઓને હજુ સુધી એક પણ ટેન્કર પાણીનું મળ્યું નથી. પરિણામે અગરિયાઓ પરેશાન થઈ રહયા છે. ___________________________________________પીવાના પાણીના કારણે દરરોજ કામ પણ ખોટી થાય છેચકુભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર અત્યારે નાના રણમાં પીવાના પાણીની સમસ્યાને કારણે બધા અગરિયા પરિવારોમાંથી એક વ્યક્તિ દરરોજ પાણીની વ્યવસ્થા કરવામાં જ રહે છે. આ વ્યક્તિ દૂર-દૂરના ગામોમાં જઈ પીવાનું પાણી લઈ આવે છે. આમ કામના એક વ્યક્તિ ગેરહાજર હોવાથી કામમાં પણ અસર પડી રહી છે. ___________________________________________પોતાનું ગામ 25થી 30 કિમિ જેટલું દૂર છે તેવા અગરિયાઓ સાંજે પરત ફરી રહ્યા છેચકુભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર આમ તો મોટાભાગના અગરિયાઓ અહીં સિઝન દરમિયાન ઝુંપડા બાંધીને રહે છે. પણ આ સીઝનમાં પાણીની સમસ્યા છે. જેને કારણે 25થી 30 કિમિ જેટલું દૂર પોતાનું ગામ છે તેવા અગરિયાઓ નાના રણમાં રહેતા નથી. તેઓ વહેલી સવારે ગામથી નાના રણ સુધી જાય છે અને સાંજે પરત ફરે છે. ___________________________________________પ્રાંતની સૂચનાથી પાણી પુરવઠા બોર્ડે વર્ક ઓર્ડર આપ્યો, પણ પાછળથી કેન્સલ કરી નાખ્યોઅગરિયા હીત રક્ષક પંચના મારૂતભાઈ બારૈયાએ જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી લેખિત રજુઆત કરી છે. પણ કોઈ પગલાં લેવાયા નથી. હળવદ અને માળિયા પ્રાંતએ પાણી સમિતિ બેઠકમાં સૂચના આપી એટલે પાણી પુરવઠા બોર્ડે વર્ક ઓર્ડર આપ્યો પણ પાછળથી તુરંત આ વર્ક ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. માળિયા અને હળવદ પંથકના ત્રણેક હજારથી વધુ અગરિયાઓ પાણી વગર હાલ પરેશાન થઈ રહ્યા છે. ___________________________________________શિયાળામાં આવી સમસ્યા છે, ઉનાળામાં શુ થશે ?ચકુભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર હજુ શિયાળો ચાલી રહ્યો છે. અત્યારે પાણીની સમસ્યા છે તો ઉનાળામાં શુ થશે તે ચિંતા સતાવી રહી છે. પાણી પુરવઠા વિભાગે ટેન્કરની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નથી. ઉપરાંત પાણી પુરવઠા વિભાગ પાસે ટેન્કરની કોઈ વ્યવસ્થા નથી. આવામાં હવે રાજ્ય સરકાર ધ્યાન આપશે તો જ અગરિયાઓનો પાણી પ્રશ્ન હલ થશે.___________________________________________