અરજી કરવા માટે હવે છેલ્લા 4 દિવસ જ બાકી રહ્યા : બાકી રહેતા ખેડૂતોને તાકીદે અરજી કરવા તંત્રની અપીલમોરબી : કમોસમી વરસાદને પગલે થયેલી નુકસાની બદલ સરકારે જાહેર કરેલી કૃષિ સહાય મેળવવા મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. બીજી તરફ આ સહાય મેળવવા અરજીની સમય મર્યાદા 4 દિવસ બાદ પૂર્ણ થઈ રહી છે. મોરબી જિલ્લામાં આ વખતની ખરીફ સિઝનમાં પુષ્કળ વાવેતર થયું હતું. જેમાં મગફળી અને કપાસનું મોટા પાયે વાવેતર થયેલું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાની થઈ હતી. તેવામાં ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવવાની જાહેરાત કરાઈ છે. જેના માટે અરજી પ્રક્રિયા તા.14 નવેમ્બરથી શરૂ થઈ હતી. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં આ સહાય મેળવવા માટે 1,00,454 ખેડૂતોએ અરજી કરી છે. જેમાં હળવદ તાલુકામાં 19102, માળિયા તાલુકાના 15477, મોરબી તાલુકામાં 23851, ટંકારા તાલુકામાં 15572 અને વાંકાનેર તાલુકામાં 20452 ખેડૂતોએ અરજી કરી છે. અરજી કરવા માટે પોર્ટલ તા.28 સુધી જ ખુલ્લું રહેવાનું છે. જેથી હવે 4 દિવસ જ બાકી હોય જેથી બાકી ખેડૂતોને વહેલાસર અરજી કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.