છ શખ્સો સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી અપયાનો ગુન્હો દાખલ મોરબી : મોરબીમાં 'તું મોટર સાયકલનો હોર્ન શા માટે મારે છે' કહી દંપતીને છ જેટલા પાડોશીઓએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવાનની ફરિયાદના આધારે પોલીસે છ જેટલા પાડોશીઓ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી અપયાનો ગુન્હો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શૈલેન્દ્રસિંહ લાલુભા ઝાલા (ઉવ.૪૫ ધંધો ખેતી રહે. હાલ મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ સોનલ PCO વાળી શેરી માં બ્લોક નં.૧૧૨૬ “કર્મનિવાસ”)એ આરોપીઓ શક્તિસિંહ ચંદ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજા, ફરીયાદીના ઘર સામે રહેતા બ્રાહ્મણ, શક્તિસિંહ ચંદ્રસિંહ ઝાલાના પત્ની તેમજ સુખદેવસિંહ જાડેજાના પત્ની અને ફરીયાદીના ઘર સામે રહેતા બ્રાહ્મણના પત્ની (રહે. બધા શનાળા રોડ હાઉસીંગ બોર્ડ સોનલ PCO વાળી શેરીમાં મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ ના રોજ આરોપીઓએ ફરીયાદીને તુ મોટર સાયકલનો હોર્ન શા માટે મારે છે તેમ કહી ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના પત્ની મેઘનાબાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ પરથી પોલીસે તમામ આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ- ૩૨૩,૫૦૬(ર),૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.