મોરબી : મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજની B. Com.ની વિધાર્થિની ડાભી વૈશાલી ભરતભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57મા પદવીદાન સમારોહમાં કોમર્સ વિદ્યાશાખામાં (સ્નાતક) યુનિર્વિસટી કક્ષાએ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કોમર્સ વિદ્યાશાખાનો (સ્નાતક) ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ કોમર્સ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં સામાન્ય પરિવારની દીકરીએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવી કોલેજ, મોરબી અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. કોમર્સ વિદ્યાશાખામાં (સ્નાતક) સૌથી વધુ માર્કસ મેળવી ડાભી વૈશાલીને કુલાધિપતિ, કુલપતિ અને રાજ્યના શિક્ષણમંત્રીની હાજરીમાં ગોલ્ડ મેડલ અને બેચરલ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અઘ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ સ્ટાફગણ તરફથી વૈશાલીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.