મોરબી : ત્રણ દિવસીય ગુજરાત વિધાનસભાના સત્રમાં દરેક દિવસે વિવિધ મુદ્દાઓ અંગે મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જુદા-જુદા વિભાગની બાબતો અંગે તેમજ મોરબી-માળીયા (મી.) વિસ્તારના જુદા-જુદા વણઉકેલ્યા પ્રશ્નો અંગે ખુબ સક્રિય રહીને રજૂઆતો કરી હતી. ખેડૂતોને પાક વીમો મળે, ખેત નીપજના પોષણક્ષમ ભાવો મળે, નર્મદાની જે બ્રાન્ચ કેનાલો મોરબી તાલુકામાંથી નીકળે છે. તેના અધૂરા કામો તાકીદે પુરા થાય અને ખેડૂતોને નર્મદાની સિંચાઈનો લાભ મળે, પ્રાથમિક શિક્ષકોની ચાર વર્ષથી ભરતી કરાઈ નથી, તે ભરતી કરી શિક્ષકોની ખાલી જગ્યા ભરીમેં શિક્ષણ કથળતું અટકાવવા, શિક્ષકો પાસેથી કલાર્કની કામગીરી ન લેવા, વાવાઝોડાને લીધે સ્થળાંતર થયેલ નવલખી બંદર પાસેની વસાહતોને પીવાનું પાણી, આરોગ્ય, શૈક્ષણિક અને આવાસ સુવિધા મળે, ન્યુ નવલખી ગામને ગ્રામ પંચાયત મળે, મોરબી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ કેમ્પ કરીને મળવાપાત્ર સહાય મળે, માળીયા (મી.) તાલુકાના વિરવદરકા ગામને અતિવૃષ્ટિની મળવાપાત્ર સહાયમાં થયેલ અન્યાય દૂર કરવામાં આવે એવી માંગણી કરી હતી. રાજ્યપાલના અભિભાષણ અંગે પ્રવચન આપી ધારાસભ્યએ ગૃહમાં વહીવટી ક્ષતિઓ નિવારવા અને ભ્રષ્ટાચાર રોકવા સરકારને અનુરોધ કર્યો હતો. પૂર્વ ધારાસભ્યોના રેલ્વે, એસ.ટી. નિર્વાહ ભથ્થુ અને મેડિકલ ભથ્થાના પ્રશ્નો ઉકેલવા ખાસ આગ્રહ સેવ્યો હતો. મોરબીને બસ ટર્મિનલની સુવિધા માટે પૂછેલ પ્રશ્નમાં રૂ. 5 કરોડની જોગવાઈની ખાતરી અપાઈ હતી. વિધાનસભાના દિવંગત ધારાસભ્યોની શોકાંજલિમાં પણ ભાગ લઇ અવસાન પામેલ ધારાસભ્યોને ભાવાંજલિ અર્પી હતી. વધુમાં, ધારાસભ્ય એવી પણ વિધાનસભામાં રજૂઆત કરી હતી કે મોરબી-માળીયા (મી.) તાલુકાના પંચાયત હસ્તકના રસ્તાઓ સ્ટેટ માર્ગ બને તો ગામડાઓને રસ્તાઓની સારી સુવિધા મળી શકે, તે બાબતે પણ હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. તેમજ માળીયા તાલુકાના મોટી બરાર ગામની મોર્ડન સ્કૂલને વિધિસર સોંપીને લોકાર્પણ કરવા આગ્રહ કર્યો હતો. તથા નાની બરારની સરકારી હાઇસ્કૂલનું મકાન બનાવવા રૂ. 60 લાખ મંજુર કરાવી વહેલી તકે બાંધકામ હાથ ધરવા પ્રશ્ન ઉઠાવ્યો હતો. મોરબી તાલુકામાં 26 ગ્રામ પંચાયતો અને માળીયા તાલુકામાં 10 ગ્રામ પંચાયતોના મકાનો જે હાલમાં જર્જરિત હાલતમાં છે. તે નવા બાંધવા પણ માંગણી કરી હતી. તદુપરાંત ખેડૂતોના આપઘાત અટકાવવા, ખેડૂતોના દેવા માફ કરવા અને વ્યાજના આતંકને નાથવા પણ માંગણી કરી હતી. તેમજ અકસ્માતે અવસાન પામેલા ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાને અંબાજી સર્કલ નામાભિધાન કરવા લાગણી વ્યક્ત કરી હતી. મોરબી-માળીયાના 190 કિલોમીટરના જિલ્લા કક્ષાના 13 રસ્તાઓ ધોરીમાર્ગમાં ફેરવવાની બાબત વિચારણા હેઠળ જણાવ્યું હતું. અંતમાં બ્રિજેશ મેરજા એ જાહેર સંસ્થાઓ તથા ગુજરાત રાજય સરકારના વહીવટમાં ખોટી ગુજરાતી જોડણીના ઉપયોગને નિયંત્રણમાં રાખવા માટે જોગવાઇ કરવા માટેના વિધેયકમાં સક્રિય ભાગ લઇ તલસ્પર્શી અભ્યાસ સાથે માતૃભાષા ગુજરાતીનું મહત્વ અને ભાષા શુદ્ધિનો આગ્રહ રાખી સરકારને તેમ કરવા તાકીદ કરી હતી. મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા અંગેનો પ્રશ્ન ઉઠાવીને ક્ષયના દર્દીઓની પણ ચિંતા સેવી હતી. આમ, ત્રણ દિવસના વિધાનસભાના કામકાજમાં તક ઝડપીને મોરબીના પ્રશ્નો તેમજ સરકારના વહીવટની ઉણપને ઉજાગર કરવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા સક્રિય રહ્યા હતા.