કમલેશભાઈના ભાઈ ભાવેશભાઈ પણ યુટ્યુબ પર ફૂડની ચેનલ દ્વારા ધૂમ મચાવે છે મોરબી : મોરબીના રહીશ કમલેશભાઈ મોદી મહેસાણાથી મોરબી ખાતે સ્થાયી થયા છે. શરૂઆતમાં સંઘર્ષ કરીને મોબાઇલની દુકાનમા નોકરી કરી, પછી પોતાની મોબાઇલની શોપ બનાવીને હાલ તેઓ યુ ટ્યુબ ચેનલ 'Kamlesh Modi I am Foodie' ચલાવે છે. આ ચેનલ પરથી પ્રેરણા લઈને તેમના નાનાભાઇ રોની મોદી કે જે મહેસાણા જ રહે છે તેમણે પણ ચેનલ શરૂ કરીને કમાણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બન્ને ભાઇઓનો જન્મ વડોદરા ખાતે થયેલો પછી પરિવાર સ્થળાંતર કરીને મહેસાણા ખાતે આવી ગયો હતો. કમલેશભાઇએ માત્ર અઢી વર્ષના સમયગાળામાં ગામો-ગામ ફરીને 750 જેટલા વિડીયોઝ અપલોડ કર્યા છે અને આજે તેમના અઢી લાખ આસપાસ સબસક્રાઇબર છે. તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાં મળતા સ્ટ્રીટ ફુડ વિશે વિડીયો બનાવે છે. ધોરણ-10માં છ વિષયમાં નાપાસ થયેલા આ ભાઇની આવક કોઇ કંપનીના મેનેજર કરતા પણ વધુ છે અને ગુજરાતનું લગભગ કોઇ શહેર બાકી રાખ્યુ નથી. કમલેશભાઈએ ફૂડ ચેનલ ચાલુ કરી તે પાછળનો કિસ્સો કંઈક આવો છે. કમલેશભાઈ રોજ સાંજે નાસ્તો કરવા બહાર જાય અને એક વખત મોરબીમાં બટેટા અને ભૂંગળાનો નાસ્તો કરીને વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે તેને 600 જણાએ જોયો હતો. બસ ત્યારથી કમલેશભાઈ અને તેમના મિત્ર રાજભાઇએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. કમલેશભાઈનો મૂળ વ્યવસાય મોબાઇલની શોપનો છે. આ ચેનલ ચાલુ કરવાનો કમ્લેશભાઈનો હેતુ એવો છે કે તેઓના વિડીયોથી નાના વેપારીઓ આગળ આવે અને બે પૈસાનો ધંધો વધે. સાથો સાથ ગુજરાતી ફુડ વિશે વિશ્વને જાણ થાય. મોરબીથી શરૂઆત કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચીને થોડા સમય અગાઉ મુંબઇ અને રાજસ્થાન જઇને ત્યાં ફુડ વિડીયો બનાવીને લોકો સમક્ષ મૂક્યા હતા. કમલેશભાઈની એક મિલીયન સબસ્કાઇબર કરવાની અભિલાષા છે. કમલેશભાઇના નાના ભાઈ ભાવેશ ઉર્ફે રોનીએ મોટાભાઇની પ્રેરણા લઇને એક વર્ષ અગાઉ ‘કભી ખાયા ક્યા?’ નામની ફુડ ચેનલ મહેસાણથી શરૂ કરી છે અને આજે તેમના પણ 45 હજારથી વધુ સબસક્રાઇબર છે. તેમને એન્જીનીયરીંગ કરવું હતું પરંતુ ધોરણ-10માં નાપાસ થતા નાસીપાસ થયા વગર વધુ મહેનત ધોરણ-10 પાસ કરીને ડીપ્લોમા ઇન ઇલેક્ટ્રોનીક એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ કર્યું હતું. તેઓને ફોટગ્રાફી અને ફોટો શોપનો શોખ હતો આથી પાર્ટટાઇમ નોકરી કરીને ઘરે કોમ્પ્યુટર વસાવ્યું. ત્યારબાદ લગ્નની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીને વ્યવસાય બનાવ્યો. પરંતુ એક વ્યવસાય બંધ થાય તો બીજી સગવડ રાખવી પડે તે ન્યાયે યુ ટ્યુબ ચેનલ શરૂ કરી. ભાવેશભાઇ જીવનમાં બે જ મંત્ર છે. એક તો એ કે પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે. અને બીજો કે જ્યાં સુધી તમે પડતા નહિ શીખો ને ત્યાં સુધી સફળતા નહિ પચાવી શકો. ભાવેશભાઈએ અત્યાર સુધીમાં મહેસાણા, વિસનગર, કડી, કલોલ, અમદાવાદ, પાલનપુર, ઊંઝા, મોટપ, મોઢેરા, સિદ્ધપુર સહીત ઘણા અન્ય શહેરમાં ફરીને વિડિઓ બનાવ્યા છે અને લોકો ભાવેશભાઈને એટલા માટે ફોલો કરે છે કે તેઓ ફૂડના એવા સ્થળ પસન્દ કરે છે કે ત્યાંના વિશે કોઈને ખબર ના હોય અને સર્વશ્રેષ્ઠ ફૂડ મળતું હોય.