ડિસેમ્બર 2022મા ચકચારી બનેલા કિસ્સામાં પરિણીતાએ હવે મહિલા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો મોરબી : મોરબીમાં ગત ડિસેમ્બર મહિનામાં અતિ ચકચારી બનેલા કિસ્સામાં ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએ પત્નીને માર માર્યા બાદ રાજકીય આગેવાનનું નામ ચર્ચામાં આવતા મામલો ગરમાયો હતો. બાદમાં ફરી એકવાર પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે તેમજ ચારિત્ર્ય અંગે શંકા કરવા મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમા આલાપ પાર્ક શેરી નંબર-3મા હાલમાં માવતરના ઘેર રહેતા શ્રધ્ધાબેન નિરવભાઈ રાજપરાએ આદર્શ સોસાયટી સરદારબાગ પાસે રહેતા પતિ નિરવભાઈ વલ્લભભાઈ રાજપરા અને સાસુ વનિતાબેન વલ્લભભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, લગ્ન બાદ સાસરિયામા ઘરકામ બાબતે અવાર નવાર મેણા ટોણા મારી, તેમના સાસુ તું કરીયાવરમાં કઈ લાવી નથી. ભૂતના પેટની છો, તેમ કહી ચારિત્ર્ય અંગે શંકા કરી પતિની ચડામણી કરતા હોય બન્ને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડિસેમ્બર 2022મા પરિણીતાના પુત્ર વીઆનને પતિ ટ્યુશનમાંથી તેના ઘેર રમાડવા લઈ ગયા બાદ શ્રધ્ધાબેન પોતાના પુત્રને લેવા જતા નિરવભાઈએ શ્રધ્ધાબેનને હોકી વડે માર મારી મોરબીના એક રાજકીય આગેવાન અને જિમ ટ્રેઇનર સાથે આડા સંબંધ હોવાનો આરોપ લગાવી માર મારતા તે સમયે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.