મોરબી : સમગ્ર દેશને કોરોનાના સંકટમાંથી હેમખેમ ઉગારવા માટે મોરબીવાસીઓ આગળ આવીને પોતાની યથાશક્તિ પ્રમાણે સરકારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રૂ. 1 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવ્યા છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વની સાથે ભારત દેશને કોરોનાએ ભરડો લીધો છે અને સરકાર તથા તંત્રને કોરોના મહામારી સામે લડવા માટે હિંમત અને બળ મળે એ માટે લોકો છુટા હાથે દાન આપી રહ્યા છે. એ દાનમાં વધારો કરવા માટે ઉમિયા માનવ સેવા મંડળ-મોરબી તરફથી પ્રમુખ પોપટભાઈ કગથરાએ રૂપિયા એક લાખની ધનરાશીનો ચેક કલેક્ટરને અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી જમા કરવા માટે આપી માનવ સેવા એજ પ્રભુ સેવાની ભાવનાને ચરિતાર્થ કરી છે. આમેય જ્યારે જ્યારે કોઈ કુદરતી આપતી વખતે, શહીદ જવાનો માટે જ્યારે જ્યારે મદદની જરૂર પડી હોય ત્યારે મોરબીવાસીઓએ ભામાશાની જેમ પોતાનો ખજાનો ખુલ્લો મુક્યો છે.