લુંટની ઘટના હજુ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો ઓકવવા માટે પોલીસ પૂછપરછ કરશે મોરબી : મોરબીમાં સાત દિવસ પૂર્વે વહેલી સવારે દલવાડી સર્કલ નજીક આંગડિયા પેઢીના રૂપિયા 1.19 કરોડની રોકડ રકમના પાર્સલની દિલધડક લૂંટ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીને ગિરફતમાં લઈ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ પણ કબ્જે કર્યા બાદ આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ગત તા. 31 માર્ચના રોજ વહેલી સવારે મોરબીના દલવાડી સર્કલ નજીક રાજકોટથી આવેલ આંગડિયા પેઢીના રુપુયા 1.19 કરોડની ફિલ્મી સ્ટાઈલથી કરાયેલ દિલધડક લૂંટનો ભેદ ઉકેલવા મોરબી પોલીસવડા દ્વારા સંયુક્ત આઠ જેટલી ટીમો બનાવીને સઘન તપાસ કરતા અંતે બાતમીદારો મારફ્તે લૂંટારુઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.જેમાં પોલીસની તપાસમાં રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું ડ્રાઇવર જાવિદે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણને ટીપ આપી તેના મીત્ર પંકજ કેશા ગરાંમડીયાએ મળી સમગ્ર કાવત્રુ રચ્યું હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને આજે એ ડિવિઝન પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના દસ દિવસના એટલે કે તા. 16 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન લુંટની ઘટના હજુ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો ઓકવવા માટે પોલીસ પૂછપરછ કરશે. તેમજ આ બનાવમાં મદદગારી કરનાર અને ફરાર રહેલા અબ્દુલકાદર ઉર્ફે જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ, ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણ તેમજ પંકજ કેશાભાઇ ગરાભડીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.