શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 50 હજારની ઈનામી રાશીનો ચેક અર્પણ થતા આર્ય ભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સન્માન કરાયું મોરબી : ગત તારીખ 18/8/2020ને મંગળવારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય 'આર્ય ભટ્ટ' લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ડૉ. શ્રી વિક્રમભાઇ સારાભાઈના 101માં જન્મદિવસે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જીલ્લાની વિદ્યાર્થીનીએ સેકન્ડરી વિભાગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઉક્ત વકતૃત્વ સ્પર્ધામાં હેલી લીલાધરભાઈ અધારા સેકન્ડરી વિભાગમાં પ્રથમ ક્રમે આવતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે રૂ.50000ની ધનરાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પુરસ્કાર મેળવેલ બાળાનું 'આર્ય ભટ્ટ' લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માન કરાયું હતું. અરવલ્લી જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ. વેકરીયા સાહેબની 'આર્ય ભટ્ટ'લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની મુલાકાત દરમ્યાન તેઓની ઉપસ્થિતિમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ડૉ.વેકરીયા સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.